અમદાવાદ, તા.૩
લોકડાઉન ખુલતા જ ચોરી, મારામારી, હત્યા જેવા ગુનાનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. આવો જ એક બનાવ શહેરના કાલુપુર રેલવે સ્ટેશને બન્યો હોવાનું બહાર આવ્યું છે જેમાં હથિયારના ઘા ઝીંકાતા ઘાયલ યુવકનું મોત થતાં સમગ્ર મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોમતીપુરમાં રહેતા રામશકલ કહાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં ચાર બાળકો છે. જે પૈકી પ્રદીપ નામના પુત્રને થોડા દિવસ પહેલા કોઈએ માર્યો હોવાની તેમને જાણ થઈ હતી. જાણ થતા જ તેઓ પ્રદીપને સારવાર માટે લઈ ગયા હતા. સારવાર બાદ તેને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઈ ઘરે લવાયો હતો. ઘરે તેના પિતાએ તેને આરામ કરવાનું કહ્યું હતું. બાદમાં તેને કોણે કેમ માર્યો એ બાબતે તેને પૂછતાં તેને કહ્યું કે સરસપુરમાં રહેતો ધર્મેશ ઉર્ફે ટૂંડો પટેલ નામના યુવકે તેને હથિયારથી ઘા માર્યા હતા. આટલું કહીને તે સુઈ ગયો હતો. પણ અડધી રાત્રે રામશકલ ભાઈએ જોયું તો તેમનો પુત્ર મૃત હાલતમાં હતો. જેથી તેની અંતિમવિધિ કરી અને બાદમાં શહેર કોટડા પોલીસને જાણ કરી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૨ નંબરના પ્લેટફોર્મ પર બનેલા આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હત્યા કયા કારણોસર કરવામાં આવી તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.