(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
વિશ્વભરની મહાસત્તાઓને હંફાવી હાહાકાર સર્જનાર કોરોના વાયરસ ગુજરાતની સરકારને પણ બરોબર હંફાવી રહ્યું છે. જેમાં અનલોકની છૂટછાટ દરમિયાન કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો હોય તેમ દિવસે દિવસે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યના અત્યાર સુધીના સૌથી વધુ કેસો ધરાવતા મુખ્ય હોટસ્પોટ અમદાવાદમાં હવે કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો તેની સામે નવા હોટસ્પોટ બનેલ સુરતમાં વિસ્ફોટક પ્રમાણમાં કેસોનો ઉછાળો બહાર આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ હવે ઉછાળારૂપ કેસો નોંધાઈ રહ્યા છે. વડોદરા, રાજકોટ, નવસારી અને હવે બે-ચાર દિવસથી વલસાડ જિલ્લામાં કેસોમાં ઉછાળો બહાર આવી રહ્યો છે. રાજ્યમાં રેકર્ડબ્રેક કોરોના સિલસિલામાં છેલ્લા ર૪ કલાકમાં તો કોરોના બ્લાસ્ટરૂપ નવા ૮૬૧ કેસ બહાર આવ્યા છે જેમાં આજે પણ સુરત જિલ્લામાં વિસ્ફોટક એવા રેકર્ડબ્રેક ૩૦૭ કેસ નોંધાયા છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનામાં વધુ ૧પ વ્યક્તિઓના મૃત્યુ નિપજેલ છે. જ્યારે વધુ કેસોની ચિંતા વચ્ચે રાહતરૂપ વધુ ૪ર૯ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. રાજ્યભરમાં કોરોનાના સંક્રમણનો વ્યાપ વધવા સાથે કેસોમાં થઈ રહેલો ઉત્તરોત્તર વધારો સરકારના આરોગ્ય તંત્રની સાથે સ્થાનિક સત્તામંડળની ઊંઘ હરામ કરી રહ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલ કોરોના પોઝિટિવ કેસો પગલે કુલ કેસોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ ૩૬ હજારને પાર થઈ ગયા છે. જેમાં રોજે રોજ ૭૦૦ની આસપાસ કેસો ઉમેરાઈ રહ્યા છે અને કદાચ આગળ જતાં આ આંક વધે તેવી ભીતિને લઈ આંકડો બહુ ઝડપથી વધે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં ફરીવાર રેકર્ડબ્રેક નવા ૮૬૧ કેસ બહાર આવેલ છે. જેમાં સૌથી વધુ કેસોમાં અમદાવાદને બાજુએ રાખી નં.૧ બનેલ સુરતમાં નોંધાયા છે. સુરત શહેરમાં ર૧ર અને જિલ્લામાં ૯પ મળી કુલ ૩૦૭ કેસ નવા નોંધાયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ કેસોનો રેકર્ડબ્રેક આંક નોંધાયો છે. અમદાવાદ શહેર-જિલ્લામાં ૧૬ર કેસ નોંધાયેલ છે. (અમદાવાદ શહેરમાં ૧પ૩ કેસ છે) ત્યારબાદ વડોદરા જિલ્લામાં ૬૮ કેસ તે બાદ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં પણ ઉછાળારૂપ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં ૩ર કેસ, વલસાડમાં ર૮ કેસ, ભાવનગર-ર૩, રાજકોટ-ર૦, જૂનાગઢ-ભરૂચમાં ૧૯-૧૯ કેસ, બનાસકાંઠા-૧૮, ખેડા-૧૭, મહેસાણા-૧૭, નવસારી ૧૬, દાહોદ ૧૩, આણંદ-સાબરકાંઠા-જામનગરમાં ૧૧-૧૧ કેસ, સુરેન્દ્રનગર ૧૦ કેસ તેમજ રાજ્યના અન્ય ૧ર જિલ્લામાં ૧થી ૯ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૩૯ હજારને પાર થઈ જતાં કુલ ૩૯ર૮૦ કેસ થયા છે તો અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ રરપ૮૦ થવા પામ્યા છે. સુરતમાં કુલ કેસ ૭૦૩૮ થવા પામ્યા છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુનું પ્રમાણ થોડાક ઘટાડા સાથે જારી રહેલ છે. રાજ્યમાં ર૪ કલાકમાં વધુ ૧પ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં પાંચનાં મોત થયા છે તે પછી સુરત શહેરમાં ૪નાં અને જિલ્લામાં બે મળી કુલ ૬નાં મોત થયેલ છે. જ્યારે અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચ જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યભરમાં કોરોનામાં કુલ ર૦૧૦ લોકો મોતને ભેટયા છે જ્યારે કોરોના હબ એવા અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧પ૦૭ પર પહોંચ્યો છે. તો સુરતમાં આંક ઝડપથી વધીને મૃતાંક ર૦૮ થયેલ છે. બીજી તરફ રાજ્યભરમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં થોડોક વધારો જારી રહેતા છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં નવા ૪ર૯ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થઈને ઘરે ગયેલ છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લો/કોર્પોરેશન કેસ
સુરત કોર્પોરેશન ૨૧૨
અમદાવાદ કોર્પોરેશન ૧૫૩
સુરત ૯૫
વડોદરા કોર્પોરેશન ૪૩
વલસાડ ૨૮
વડોદરા ૨૫
ગાંધીનગર ૨૪
ભરૂચ ૧૯
બનાસકાંઠા ૧૮
રાજકોટ કોર્પોરેશન ૧૮
ખેડા ૧૭
મહેસાણા ૧૭
નવસારી ૧૬
ભાવનગર કોર્પોરેશન ૧૪
દાહોદ ૧૩
જૂનાગઢ કોર્પોરેશન ૧૨
આણંદ ૧૧
સાબરકાંઠા ૧૧
સુરેન્દ્રનગર ૧૦
અમદાવાદ ૦૯
જિલ્લો/કોર્પોરેશન કેસ
ભાવનગર ૦૯
ગીર સોમનાથ ૦૯
અમરેલી ૦૮
ગાંધીનગર કોર્પોરેશન ૦૮
તાપી ૦૮
જામનગર કોર્પોરેશન ૦૭
જૂનાગઢ ૦૭
બોટાદ ૦૬
અરવલ્લી ૦૫
કચ્છ ૦૫
પાટણ ૦૫
છોટાઉદેપુર ૦૪
જામનગર ૦૪
મોરબી ૦૪
પંચમહાલ ૦૩
રાજકોટ ૦૨
નર્મદા ૦૧
પોરબંદર ૦૧
દ્વારકા ૦૦
કુલ ૮૬૧