અમદાવાદ, તા.૩૦
રાજ્યભરમાં ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪ર ડિગ્રીની નજીક પહોંચ્યો છે. જ્યારે હવામાન વિભાગે આગામી ર૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક સ્થળોએ હીટવેવની આગાહી કરી છે તે જોતાં આગામી દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે જ્યારે આવનાર દિવસોમાં પણ ગરમીમાં રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આજે રાજ્યમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીની પાર નીકળી ગયો હતો. ૪ર.૪ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં અગનગોળા વરસ્યા હતા. જ્યારે કંડલામાં પણ તાપમાન ૪ર.૩ ડિગ્રી રહ્યું હતું. અન્ય સ્થળોની વાત કરીએ તો ઈડરમાં ૪ર, રાજકોટમાં ૪ર, ડીસા ૪૧.૯, અમરેલીમાં ૪૧.૮, ભૂજમાં ૪૧.૬, ગાંધીનગરમાં ૪૧.પ, અમદાવાદમાં ૪૧.૪ અને વડોદરામાં મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાયું હતું. ગરમીના લીધે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ દેખાય છે જ્યારે ગરમીને પરિણામે છેલ્લા ચાર દિવસમાં કુલ ૧૯ર જેટલા બેભાન થઈ ગયા હતા જ્યારે અનેક લોકોને લૂ લાગવાની ઘટનાઓ પણ સામે આવી છે. કાળઝાળ ગરમીમાં લૂ લાગવાથી લોકો પેટનો દુખાવો, બીપીની સમસ્યા, છાતીમાં દુખાવો, નસકોરી ફૂટવી, ચક્કર આવવા, ઝાડા-ઉલટી સહિતની તકલીફો વધી જાય છે તે જોતાં લોકો કારણ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. જ્યારે ગરમીમાં ખાસ તકેદારી રાખવાનું તબીબો પણ સૂચવી રહ્યા છે. ગરમી વધતાં હાલ તો ગુજરાત ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે.
કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૨.૪
કંડલા ૪ર.૩
રાજકોટ ૪ર.૦
ઈડર ૪ર.૦
ડીસા ૪૧.૯
અમરેલી ૪૧.૮
ભૂજ ૪૧.૬
ગાંધીનગર ૪૧.૫
અમદાવાદ ૪૧.૪
વડોદરા ૪૦.૬