(સંવાદદાતા દ્વારા) જંબુસર, તા.ર૦
કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ગામની મહિલાઓ સાથે કરેલ ગેરવર્તણૂકના વિરોધમાં જંબુસર નગરપાલિકાના માજી વિરોધ પક્ષના નેતા હમીદભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુથાર દ્વારા કાવી ગામની મહિલાઓ સાથે કરેલ ગેરવર્તણૂક વિરોધ જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર નગરપાલિકાના માજી વિરોધ પક્ષના નેતાની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું. જેમાં કાવી ગામ તથા જંબુસર તાલુકાના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાવી ગામના વૃદ્ધ મહિલા અમીનાબેન ઉમરજી ઘેનઘેન તથા તેમની સાથે બે અન્ય વૃદ્ધ મહિલા રાત્રે જમીને સુવાની તૈયારી કરતાં હતાં તે સમયે કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુથાર ઘરમાં મહિલા કોન્સ્ટેબલને સાથે લીધા વિના બળજબરીપૂર્વક દરવાજાને ધક્કો મારી ઘરમાં ઘૂસી ગયેલ તે વખતે ઘરમાં વીજળી ન હોય, ફાનસના અજવાળે સુવાની તૈયારી કરતા હતા અને સમીનાબેન બીમાર હોય કમરના ભાગે અન્ય મહિલા પાસે તેલ માલીશ કરાવતા હતા અને શરીર પર વ્યવસ્થિત કપડા પહેરેલ ન હતા. તો પણ જબરદસ્તી તેઓની સામે ઊભા થઈ ગયેલા જેથી વૃદ્ધ મહિલા શરમમાં મૂકાયેલ હતા. આવી પરિસ્થિતિ હોવા છતાંય કાવી ગામના પીએસઆઈએ ગેરવર્તણૂક કરેલ અને મા-બહેન સમાની ગાળો આપેલ અને એક નારીને ન શોભે તેવું વર્તન કરેલ. મહિલા વિરૂદ્ધ કોઈ ગુનો નથી કે કોઈ ગુનામાં સંડોવાયેલ નથી. તેમ છતાં ગેરકાયદેસર ધાકધમકી, ગાળો બોલી તેમજ ગુસ્સામાં શારીરિક સ્પર્શ કરી ધક્કો મારી અમાનવીય વર્તન કરેલ છે અને ઘરનો સામાન ફેંકી દીધેલ. તેઓના ઘરની ગેરકાયદેસર તપાસણી વખતે કોઈ મહિલા કોન્સ્ટેબલ ન હતા. વધુમાં તેઓએ ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપેલી છે. ગામમાં તેઓએ ડરનો માહોલ પેદા કરેલ છે. જે એક પોલીસ અધિકારીને શોભે તેવું નથી. આ બાબતે જંબુસર ડીવાયએસપીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી. ગામ લોકોને સંતોષ થાય તેવા પગલાં લીધેલ નથી. જેને લઈ આવેદનપત્ર આપવામાં આવેલ અને કાવી પીએસઆઈ વિરૂદ્ધ એફઆઈઆર દર્જ કરવા રજૂઆત કરેલ.