(એજન્સી) ચેન્નાઈ, તા.૧ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ચેન્નાઈની મુલાકાત દરમ્યાન વ્યાપક વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાવેરી જળ બોર્ડની રચના કરવામાં થઈ રહેલા વિલંબના વિરોધમાં આજે મોદીની ચેન્નાઈની મુલાકાત દરમ્યાન શહેરમાં લોકોએ કાળા કપડાં અને કાળા વાવટા સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈના માર્ગો પર વિરોધ પ્રદર્શન કરનારા ઉમટી પડ્યા હતા. જેના કારણે વડાપ્રધાન મોદીને મોટર માર્ગના બદલે ચોપરમાં બેસી એક્સ્પો ર૦૧૮ના સ્થળે જવું પડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યાર કેન્સર ઈન્સ્ટિટ્યૂટના કાર્યક્રમમાં જવાના હોવાથી તેમના માટે મદ્રાસ આઈઆઈટી મેદાનમાં ચોપર તૈયાર રખાયું હતું. ડીએમકે સહિત તમામ વિપક્ષોના કાર્યકરો સવારથી જ રસ્તાઓ પર કાળા કપડા અને કાળા વાવટા લઈ ઉમટી પડ્યા હતા. ફિલ્મ અભિનેતાઓ અને રાજકીય નેતાઓએ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી. ડીએમકે નેતા સ્ટાલીને ટ્‌વીટ કરી લખ્યું હતું કે વડાપ્રધાન મોદી તમે કાળા વાવટા જોઈ રહ્યા છો તે અમારી લાગણીઓનું પ્રતિબિંબ છે. પોલીસે ર૦૦ જેટલા પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી હતી.