(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કડક સલામતી અને સુરક્ષા વચ્ચે રંગબેરંગી તિરંગાઓ, શિષ્તબદ્ધ પરેડ, ઉત્સાહ અને ઉમંગ વચ્ચે વિદ્યાર્થીઓ સહિત સમગ્ર દેશના લોકોએ ૬૯મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. જુદા જુદા રાજ્યોના રાજ્યપાલોએ પોતાના રાજ્યોમાં તિરંગા ફરકાવ્યા હતા જેમાં તેમણે પોતાના સંબોધનમાં રાજ્યોની સિદ્ધિઓ સાથે નાગરિકોને આગામી પડકારો અંગે પણ જણાવ્યું હતું. કાશ્મીરમાં શ્રીનગરમાં મુખ્ય કાર્યક્રમો દરમિયાન ગણતંત્ર દિવસ પ્રસંગે આતંકવાદીઓ કાર્યક્રમોને ધમરોળવાની માહિતીઓ વચ્ચે વિવિધ જગ્યાઓએ દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના મુખ્યમથકે ગણતંત્ર દિવસ શાંતિપૂર્વક ઉજવાયો હતો. ઉત્તરાખંડમાં રાજ્યપાલ કે. કે. પોલે તિરંગો ફરકાવ્યો હતો અને લોકોને બંધારણની યાદ અપાવી મૌલિક અધિકારો વચ્ચે બંધારણીય જવાબદારીઓ નિભાવવા જણાવ્યુ હતું. ઉત્તરપ્રદેશમાં પાટનગર લખનઉમાં સંપૂર્ણ દેશભક્તિ સાથે હર્ષોલ્લાસ સાથે દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. વિધાનભવન ખાતે રાજ્યપાલ રામનાઇકે ઝંડો ફરકાવવાની સાથે પરેડને સલામી આપી હતી અને બાળકોના વિવિધ કાર્યક્રમોને વધાવ્યા હતા. પંજાબના રાજ્યપાલ વી.પી. બાંદોરે પઠાણકોટમાં તિરંગો ફરકાવ્યો હતો અને હરિયાણાના રાજ્યપાલ કપ્તાનસિંહે અંબાલામાં તિરંગો ફરકાવ્યો હતો. બિહારના રાજયપાલ સત્યપાલ મલિકે પટનાના ગાંધી મેદાનમાં તિરંગો ફરકાવી આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સમાજના દરેક તબક્કાના વિકાસ માટે કામ કરી રહ્યું છે. સરકાર યુવાનોના સશક્તિકરણ અને સમાજના કચડાયેલા વર્ગો માટે યોગ્ય પગલાં લેશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી પણ હાજર રહ્યા હતા. બિહારના રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુના મુખ્યમથક ખાતે પણ તિરંગા ફરકાવાયા હતા. આ ઉપરાંત સરકારી કચેરીઓ તથા શૈક્ષણિક સંસ્થાનોમાં પણ તિરંગો ફરકાવાયો હતો. ઝારખંડમાં રાજ્યપાલ દ્રોપદી મુર્મુએ તિરંગો ફરકાવી કહ્યું હતું કે, રાજ્ય વિકાસ દરમાં ગુજરાત બાદ બીજા નંબરે છે. પશ્ચિમબંગાળમાં કોલકાતામાં રાજ્યપાલે રેડ રોડ પર તિરંગો ફરકાવ્યો હતો તેમણે એક કલાક સુધી ચાલેલી પરેડને સલામી આપી હતી. આસામના રાજ્યપાલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પૂર રાહત માટે ૧૫૦૦ કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. મહારાષ્ટ્રના મુંબઇમાં રાજ્યપાલ વિદ્યાસાગર રાવે તિરંગો ફરકાવતા પરેડને સલામી આપી હતી. તેલંગાણામાં રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાએ ગણતંત્ર દિવસના ભાષણમાં કહ્યું કે, આગામી નાણાકીય વર્ષથી કૃષિ ક્ષેત્રે અલગથી બજેટ ફાળવાશે. ગોવામાં તિરંગો ફરકાવતા રાજ્યપાલ મૃદુલાસિંહે કહ્યું કે, રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગ સારૂ છે સાથે જ તેમણે માનવ તસ્કરી અને નાર્કોટિક્સ જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. મિઝોરમ અને અરૂણાચલપ્રદેશમાં ઉપરાજ્યપાલ નિર્ભય શર્માએ તિરંગો ફરકાવી તમામને અભિનંદન આપ્યા હતા. ઓરિસ્સામાં કડક સુરક્ષા વચ્ચે રાજ્યના પાટનગરમાં રાજ્યપાલ એસસી જમીરે મહાત્મા ગાંધી રોડ ખાતે તિરંગો ફરકાવ્યો હતો. ત્રિપુરાના રાજયપાલે પોતાના ભાષણમાં રાજ્યની શાંતિ અને સૌહાર્દની પરંપરા જાળવી રાખવા જણાવ્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ દેશભક્તિની ભાવના સાથે મજબૂત દેશ બનાવવા લોકોને અપીલ કરી હતી. તમિલનાડુના રાજ્યપાલ બનવાલીલાલ પુરોહિતે ૬૯મા ગણતંત્ર દિવસે મરિના ખાતે તિરંગો ફરકાવ્યો હતો. મરિના બીચ ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી. કેરળમાં રાજ્યપાલ સથાશિવમે યુવાનો આતંકવાદથી પ્રેરિત હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયા કોચિની સાઉથ નેવલ કમાન્ડ દ્વારા પરેડ યોજાઇ હતી.