(એજન્સી) શ્રીનગર, તા. ૨૧
ભાણિયા નીરવ મોદીની સાથે વિદેશ ફરાર થનાર મેહુલ ચોકસી પર જમ્મુ કાશ્મીર બેન્કની ૧૫૨ કરોડની લોન ભરપાઈ ન કરવાનો આરોપ છે. મેહુલ ચોકસી પર આરોપ છે કે બેન્કમાંથી લોન લીધા બાદ તરત જ એક કસૂરવાર સાબિત થયો હતો. જમ્મુ કાશ્મીર બેન્કની ફોર્ટ બ્રાન્ચ મુંબઈએ કહ્યું છે કે ૨૦૧૨ માં ગીતાંજલિ જેમ્સના મેહુલ ચોકસીને ૧૨૧ કરોડની લોન આપી હતી પરંતુ તેમણે હજુ સુધી આ લોન ભરપાઈ કરી નથી. બેન્કના એક સીનિયર અધિકારીએ કહ્યું કે લોન લીધા બાદ મેહુલ ચોકસી કસૂરવાર સાબિત થયો અને લોન મંજૂર કરનાર અધિકારીઓની સામે કોઈ પણ પગલાં લેવામાં નહોતા આવ્યાં. છેલ્લા છ વર્ષમા વ્યાજ અને દંડ સહિત લોનની રકમનો આંકડો ૧૫૨ કરોડ પર પહોંચ્યો છે. છેલ્લા છ વર્ષમાં એક પણ બેન્ક અધિકારીની સામે કાર્યવાહી નથી કરવામાં આવી. સીબીઆઈએ નીરવ મોદી આણી મંડળીની સામે બે કેસો દાખલ કર્યાં હતા. પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં ઈડીએ હીરા કારોબારી અને કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને તેના બિઝનેશ ભાગીદાર મેહુલ ચોકસીના ગીતાંજલિ જેમ્સના ૧૭ ઠેકાણે દરોડા પાડીને ૫,૭૧૬ કરોડના હીરા-ઝવેરાત જપ્ત કર્યું હતું. ઈડીએ ૬ સંપત્તિઓને ટાંચમાં લીધી હતી.ઈડીએ નીરવ, તેની પત્ની એમી, ભાઈ નિશાલની સામે મની લોન્ડરિંગ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો.