(એજન્સી) તા.૧૪
પાકિસ્તાને તેના સ્વતંત્રતા દિવસે કાશ્મીરના અલગતાવાદી અને પૂર્વ હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. ૧૪ ઓગસ્ટે પાકિસ્તાનનું સ્વતંત્રતા દિવસ હોય છે અને આ દિવસે જ પાકિસ્તાને ગિલાનીને નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કર્યા છે. અલગતાવાદી નેતા કાશ્મીરમાં ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા માટે પ્રસિદ્ધ છે અને એટલા માટે જ પાકિસ્તાને ગિલાનીને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાને તાજેતરમાં જ તેના નક્શામાં કાશ્મીરના વિવાદિત ક્ષેત્રો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. ગિલાનીને આ એવોર્ડ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે અપાયો છે અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ રિઝવીએ હુર્રિયતના પૂર્વ નેતા સૈયદ અલી શાહ ગિલાનીને આ સન્માન એનાયત કર્યુ હતું. કાશ્મીરના અલગતાવાદી નેતા ગિલાનીને નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કરવાનો પ્રસ્તાવ પાકિસ્તાની સેનેટર મુસ્તાક અહેમદે આપ્યો હતો. જેના બાદ સર્વાનુમતે આ પ્રસ્તાવ પાકિસ્તાનના ગૃહમાં પસાર થયો હતો. ગિલાનીએ થોડા સમય પહેલાં જ હુર્રિયત પાર્ટીથી રાજીનામું આપી દીધું હતું. સૈયદ અલી શાહ પર કાશ્મીરમાં આતંકવાદ અને હિંસા જેવી સ્થિતિ પેદા કરવાના અનેક આરોપો લાગ્યા છે. ગિલાની પર આતંકવાદ માટે ફન્ડિંગ સંબંધિત આરોપો પણ લાગ્યા છે. આ ઉપરાંત સૈયદ અલી શાહ ગિલાનીને લાંબા સમય માટે કાશ્મીરમાં તેમના ઘરે નજરકેદ રખાયા હતા.