(એજન્સી) તા.રપ
ગત ૨૨ ઓગસ્ટના રોજ ૨૦૨૦ના વર્ષ દરમ્યાન હિંમતવાન અને નૈતિક પત્રકારત્વનું દૃષ્ટાંત રજૂ કરવા બદલ કાશ્મીરની ફોટોજર્નાલિસ્ટ મસરત જહરાનું આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ પ્રતિષ્ટિત ગણાતા પિટર મેકલર એવોર્ડ આપીને સન્માન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરનું સન્માન પામનાર આ ૨૦ વર્ષીય યુવતીએ પોતાના મિત્રો અને સહકર્મચારીઓની સાથે રહીને પોતાની સિદ્ધિની રંગેચંગે ઉજવણી કરવી જોઇએ અને સોસિયલ મીડિયા ઉપર પોતાની પ્રસશસ્તીના ફોટા મૂકીને હરખઘેલી થઇ જવી જોઇએ.
પરંતુ ના, એવું નથી. મસરત જહરા હાલ તેના ઘરમાં એકલી પૂરાઇ રહી છે. જાહેરમાં જવાનું ટાળે છે, લોકો મળવાનું ટાળે છે અને પોતાનો ફોન પણ ભાગ્યે જ ઉઠાવે છે, એટલું જ નહીં પરંતુ ઉજ્જવળ કારકિર્દીની આરંભે જ તે પત્રકારત્વ છોડી દેવાનું પણ વિચારી રહી છે. ગત સપ્તાહે પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુઝાહિદ્દીન નામના એક ત્રાસવાદી સંગઠનનું પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું જેમાં મસરત જહાંને ભારતીય જાસૂસ ગણાવવામાં આવી હતી, દાવો કરાયો હતો કે તે કાશ્મીરમાં ભારતીય ગુપ્તચર એજન્સી વતી કામ કરે છે.
બીજા જ દિવસે મસરત જહરાના શ્રીનગરના હવાલ વિસ્તારમાં આવેલાં ઘરે પોલીસનું ધાડું તરી આવ્યું હતું અ તેની ઉંડી પૂછપરછ કરી હતી, એટલું જ નહીં પરંતુ અધિકારીઓએ તેને પોલીસ રક્ષણ પૂરું પાડવાની પણ ઓફર કરી હતી. જો કે તેણે પોલીસ રક્ષણનો સ્પષ્ટ એમ કહીને ઇન્કાર કરી દીધો હતો કે તે એક ફોટો જર્નાલિસ્ટ છે અને તે કાશ્મીરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેમેરા સાથે ફરે છે અને વાસ્તવિક ઘટનાઓના ફોટા પાડે છે તેથી તેની સાથે પોલીસ કોન્સ્ટેબલ સતત સાથે રહી શકે નહીં. જો કે પોલીસ રક્ષણનો ઇન્કાર કરવો એ પણ મારા માટે બે ધારી તલવાર જેવો હતો કેમ કે મારે તે બાબતે પોલીસને લેખિતમાં ઇન્કાર કરવો પડે. આવતીકાલે કોઇપણ વ્યક્તિ દ્વારા મારી હત્યા થાય તો વર્તમાનપત્રોમાં એવી હેડલાઇન બને કે કેટલાંક અજ્ઞાત બંદૂકધારીઓએ એક ફોટોજર્નાલિસ્ટને મોતને ઘાટ ઉતારી દીધી. આ વિચાર આવતાની સાથે જ હું ફફડી ઉઠું છું એમ મસરત જહરાએ ઇન્ડિયા ટુડે મેગેઝીનને કહ્યું હતું. છેલ્લા ૧૦ દિવસથી મસરત તેના ઘરની બહાર નથી નીકળી, ઘરે બેસીને પુસ્તકો વાંચીને અને ટીવી નિહાળીને પોતાનો સમય પસાર કરી રહી છે, મને સહેજપણ ખબર નથી કે આ પ્રકારનું પોસ્ટર ક્યાંથી ફૂટી નીકળ્યું. જો કે હિઝબુલ મુઝાહિદ્દીને તેની એક સત્તાવાર જાહેરાતમાં આ પોસ્ટરો તેનું હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો, પરંતુ કાશ્મીર એવું એક અત્યંત જોખમી સ્થળ છે જ્યાં તમને કોઇપણ જાતના કારણ વિના મોતને ઘાટ ઉતારી દેવાય અથવા તો ગમે તે કારણસર તમારી હત્યા કરી દેવાય એમ મસરતે કહ્યું હતું.