ઇસ્લામોફોબિક ડોનાલ્ડ ટ્રમ્પ ઓવલ ઓફિસ ટૂંક સમયમાં છોડી દેશે એ બાબતથી ખુશ એવા કાશ્મીરીઓને આશા છે કે અમેરિકા કાશ્મીર ખીણમાં આક્રમક નીતિ સામે ભારતની મોદી સરકાર પર દબાણ લાવશે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીએ વિશ્વના અન્ય ભાગોની જેમ કાશ્મીરમાં પણ ભારે રોમાંચ સર્જ્યો હતો કારણ કે ટ્રમ્પના રાજકીય સંદેશ અને નીતિવિષયક પગલાઓ પ્રત્યક્ષ રીતે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હતાં. જેરૂસલેમમાં દૂતાવાસ સ્થાપવાનો તેમનો નિર્ણય, મુસ્લિમો પર વિવાદાસ્પદ પ્રતિબંધ અને મુસ્લિમ ઇમિગ્રન્ટ્‌સ વિરુદ્ધ તેમની વાચાળતાને કારણે તેઓ મુસ્લિમોમાં અપ્રિય બની ગયા હતા.
જો કે કાશ્મીર ખીણમાં ટ્રમ્પના પરાજયથી ભારે ઉત્સાહનો સંચાર પણ થયો છે કારણ કે અમેરિકાના વરિષ્ઠ ડેમોક્રેટ્‌સ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલે મોદી સરકારની જાહેરમાં આલોચના કરવામાં આવી છે. ગઇ સાલ કાશ્મીરમાં કોમ્યુનિકેશન અને ઇન્ટનેટ બ્લેકઆઉટ વચ્ચે અમેરિકન સેનેટરોએ મોદી સરકારની કાર્યવાહીને વખોડી કાઢી હતી.
અમેરિકાના નવા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરીસે પણ જરુર જણાય તો જમ્મુ-કાશ્મીર વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો સંકલ્પ કર્યો છે અને કાશ્મીરીઓને એવી ખાતરી આપી હતી કે તેઓ હવે વિશ્વમાં એકલા નથી. બાઈડેન સામે પ્રમુખ પદ ગુમાવનાર વગદાર અમેરિકન સેનેટર બર્ની સેન્ડર્સે પણ જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ સમર્થિત શાંતિપૂર્ણ નિરાકરણ માટે સમર્થન વ્યક્ત કર્યુ છે. કોંગ્રેસ વુમન પ્રમિલા જયપાલે તો યુએસ કોંગ્રેસમાં ઠરાવ રજૂ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટનેટબંધી હટાવવાની માગણી કરી હતી અને મોદી સરકારને કાશ્મીરમાં શાંતિપૂર્ણ દેખાવો વિરુદ્ધ અતિશય બળપ્રયોગ નહીં કરવા જણાવ્યું હતું.
અમેરિકાનું કાશ્મીરીઓ માટેનું સમર્થન અહીં પૂરું થતું નથી. યુએસ હાઉસ ફોર ફોરેન અફેર્સ કમિટીએ ગત ઓક્ટો.માં દ.એશિયામાં માનવ અધિકાર પર સુનાવણી યોજી હતી કે જ્યાં મોદી સરકારના બચાવમાં બોલતાં પ્રતિનિધિઓને કાશ્મીરમાં અત્યાચારોના મામલે ભારે આલોચનાનો સામનો કવો પડ્યો હતો. સમિતિએ આ વર્ષે ઓગસ્ટમાં ભારતના વિદેશ પ્રધાનને ઉદ્દેશીને લખેલા પત્રમાં પોતાની દહેશત વ્યક્ત કરી છે.
ટોમ લેન્ટોસ હ્યુમન રાઇટ્‌સ કમિશને કાશ્મીરમાં સુરક્ષાના વધતાં જતાં લશ્કરીકરણ પર અને કેન્દ્ર સરકારના પગલાઓ આર્થિક અને સામાજિક પરિણામો પર ચિંતા વ્યક્ત કરીને આ પ્રકારની સુનાવણી યોજી હતી. અમેરિકાના પ્રગતિશીલો દ્વારા આ પ્રકારના રાજકીય વલણ ઉપર નવા વરાયેલા પ્રમુખ જો બાઈડેનના નીતિ ડોક્યુમેન્ટનો પણ ઉલ્લેખ છે કે જેમાં જમ્મુ અને કાશ્મીરના લોકોના અધિકારોના પુનઃ સ્થાપન કરવાના વચનો આપવામાં આવ્યાં છે.
પુલવામાના એક વિદ્યાર્થી મુદાસીર લોનના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના કાશ્મીરીઓ બાઈડેનના વિજયને સકારાત્મક તરીકે મૂલવે છે. અમેરિકામાં ડેમોક્રેટર્સ દ્વારા ભૂતકાળમાં જે રીતના કાશ્મીરના સમર્થનમાં જે નિવેદનો કરવામાં આવ્યાં છે તે જોતાં તેમને આશા છે કે ખાસ કરીને માનવ અધિકાર અને નાગરિક સ્વતંત્રતાના પરિપ્રેક્ષ્યમાં કેટલાક બદલાવ જોવા મળશે.
જો કે નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આ આશાવાદ અસ્થાને છે. કાશ્મીર વિષય પરના તજજ્ઞ એવા ઇતિહાસકાર અને પૂર્વ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર સિદ્દીક વાહિદે જણાવ્યા મુજબ કાશ્મીર મુદ્દો અમેરિકાના રડાર પર બહુ થોડા સમય માટે રહેશે કારણ કે વોશિંગ્ટનને દેશમાં પણ અનેક આંતરિક સમસ્યાઓ પ્રવર્તે છે કે જેના પર ધ્યાન આપવું પડશે.
આમ અમેરિકાની વિદેશ નીતિની ગણતરીમાં દિલ્હીને ક્યાં સ્થાન મળશે તે બાબતે બાઈડેનના વિજયને કારણે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ભારત માટે દહેશત હોવાના કારણો છે. યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજીયસ ફ્રિડમ દ્વારા અગાઉ એવું જણાવાયું હતું કે નાગરિકતા સુધારા કાયદો (સીએબી) ૨૦૧૯ ખોટી દિશામાં ભયજનક વળાંક છે અને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ પર પ્રતિબંધો લાદવાની માગણી કરી હતી. આમ કાશ્મીરમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પૂછાઇ રહ્યો છે કે જો બાઈડેનની જીતનું કાશ્મીરમાં માનવ અધિકાર માટે કેટલા અંશે મહત્વપૂર્ણ બની રહેશે ? ઇસ્લામોફોબિક ડોનાલ્ડ ટ્રમ્પ ઓવલ ઓફિસ ટૂંક સમયમાં છોડી દેશે એ બાબતથી ખુશ એવા કાશ્મીરીઓને આશા છે કે અમેરિકા કાશ્મીર ખીણમાં આક્રમક નીતિ સામે ભારતની મોદી સરકાર પર દબાણ લાવશે.
– શાકીર મીર (સૌ. : ધ વાયર.ઇન)