(એજન્સી) તા.૮
કાશ્મીરના પ્રદેશમાં આવેલા પુલવામા જિલ્લાના વસીમે (નામ બદલ્યું છે) તેની બીજા દિવસે આવતી વાઇવા એક્ઝામની તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ સવારમાં ઉઠીને તેણે ઝૂમ એપ્લિકેશન ઉપર તેના ઓનલાઇન ક્લાસમાં જોડાવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખબર પડી કે ફરીથી તેના જિલ્લામાં ઇન્ટરનેટને શટડાઉન કરી દેવાયું છે. આ કોઇ એકલ-દોકલ બનાવ નથી, આ જિલ્લામાં ઇન્ટરનેટને બંધ કરી દેવું એ સામાન્ય બાબત થઇ ગઇ છે. જ્યારે જ્યારે પણ ત્રાસવાદીઓ અને સશસ્ત્રદળો વચ્ચે હિંસક અથડામણ થાય છે તે સાથે જ જિલ્લા વહિવટીતંત્ર સુરક્ષાના કારણો આગળ ધરીને ઇન્ટરનેટને બંધ કરી દેવામાં આવે છે. વસીમનું કહેવું હતું કે વારંવાર ઇન્ટરનેટ બંધ થઇ જવાના કારણે તેને સંખ્યાબંધ ઓનલાઇન ક્લાસ છોડવા પડ્યા હતા. તેણે શ્રીનગરમાં રહેતા તેના સગા-વહાલાના ઘરે રહીને પણ ઓનલાઇન ક્લાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એવામાં તેની માતા બિમાર પડી જતાં તેને ઘરે પાછા ફરવું પડ્યું હતું. શિક્ષકો આ સમસ્યાને સુપેરે જાણે છે પરંતુ તેઓ નિઃસહાય છે અને થોડા વિદ્યાર્થીઓના કારણે તેઓ ઓનલાઇન ક્લાસ રદ પણ કરી શકતા નથી, તેથી મને એમ લાગે છે કે આ વર્ષ પણ મારે ગુમાવવું પડશે એમ વસીમે કહ્યું હતું. જ્યારે હિંદુ રાષ્ટ્રવાદી ભાજપે કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને રદ કર્યો તે સાથે જ તેણે રાજ્યભરમાંથી ઇન્ટરનેટ સેવાઓ અને મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. આખા પ્રદેશમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને રાજ્યના પ્રત્યેક શહેરને નગરમાં સુરક્ષાદળોની કુમકો તૈનાત કરી દેવાઇ હતી. કાશ્મીરમાં કેટલાંય મહિનાઓ સુધી માહિતીની અવરજવરને સંપૂર્ણપણે બંધ કરી દેવાઇ હતી. ઘણાં લાબાં સમય બાદ બ્રોડબેન્ડ સેવાઓ અને અત્યંત ધીમી સ્પિડ ધરાવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓને ફરીથી શરૂ કરાઇ હતી. લશ્કર દ્વારા લાદવામાં આવેલા બંધ અને કોરોના મહામારી એમ બે કારણોસર કાશ્મીરના ખીણ પ્રદેશમાં વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજોમાં જઇ શક્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું જીવન સતત ખોરવાયેલું જ રહ્યું છે. તદ્દન ઢંગધડા વિનાની ઇન્ટરનેટ સેવાના કારણે વસીમ નાસીપાશ થઇ ગયો છે. તેને દહેશત છે કે તે અનેક લેક્ચર ગુમાવવા પડશે જે તેની સમસ્યાઓમાં ઓર વધારો કરશે. કાશ્મીરના ખીણ પ્રદેશમાં ૪જી ઇન્ટરનેટ સેવાઓ ફરીથી ચાલુ કરવાની માંગ વધી રહી છે તેમ છતાં સરકારે પ્રતિબંધોને લંબાવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ ગંડરબાલ અને ઉધમપુર સિવાયના તમામ જિલ્લાઓમાં ૨૧ ઓક્ટોબર સુધી આ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો હતો. પોતાના મોર્નિંગ ક્લાસ માટે મનશાએ તમામ તૈયારીઓ કરી લીધી હતી. નોટ અને પેન લઇને બેસી ગઇ અને નોટ ખોલીને વિષયનું નામ પણ લખ્યું. ૧૦ વાગ્યા તે સાથે જ તેણે ઝૂમ એપ્લિકેશન ખોલ્યું અને કનેક્ટ થવાની રાહ જોઇ રહી હતી, પરંતુ તેના મોબાઇલ ફોનના સ્ક્રિન ઉપર એક ચકરડું સતત ફર્યા કરતું દેખાયું અને તે સાથે કનેક્ટિંગ એવું લખાણ આવ્યું. છેવટે કંટાળીને મનશાએ ઝૂમ બંધ કરી દીધું અને ભારે નિરાશામાં સરી પડી. જો કે આ દરરોજનો અનુભવ છે. જો તમે એકવાર કનેક્ટ થઇ ગયા તો પણ લોગ આઉટ થઇ જવાના ચાન્સ વધુ હોય છે. કાશ્મીરમાં ઓનલાઇન ક્લાસનો આખો આઇડિયા જ બેકાર છે એમ ધો. ૧૨ની વિદ્યાર્થિની એવી મનશાએ પોતાનો બળાપો ઠાલવતાં કહ્યું હતું.