(એજન્સી) તા.૨૧
જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો છીનવાઈ જવા તથા કલમ ૩૫ એ હટાવી લીધા બાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવાયો હતો. આ લાંબી પ્રક્રિયા બાદ હવે ત્યાં પ્રથમ વખત ચૂંટણીનું આયોજન થવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દેવામાં આવ્યો હતો અને મુખ્યધારાના તમામ રાજનેતાઓની અટકાયત કરીને લોકોને ઘરોમાં નજરકેદ કરી લેવાયા હતા. જોકે હવે જ્યારે કાશ્મીરના રાજકીય પક્ષોએ એકજૂટ થઇને નવા ગઠબંધન ગુપકારની જાહેરાત કરી જ દીધી છે ત્યારે આ ગઠબંધને આગામી ચૂંટણી લડવા કમર પણ કસી લીધી છે. આગામી ૨૮ નવેમ્બરથી રાજ્યમાં આઠ તબક્કામાં ચૂંટણી માટે મતદાનની શરૂઆત થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરીષદની આ ચૂંટણીના માધ્યમથી નવા પંચાયતી રાજની પદ્ધતિ શરૂ થવા જઇ રહી છે. પંચાયતની બેઠકો માટે પણ આ દરમિયાન જ મતદાન કરી લેવામાં આવશે. આ ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી કમિશનર કે.કે.શર્માએ કહ્યું હતું કે ડીડીસી ચૂંટણી પાર્ટી આધારિત હશે અને પંચાયતની પેટા ચૂંટણી બિન રાજકીય આધારિત હતી. જોકે હવે ગુપકાર ગઠબંધને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ઝંપલાવાની જાહેરાત કરી દીધી છે. ગઠબંધને ઓક્ટોબરમાં ઔપચારિક જાહેરાત કરી દીધી કે તેઓ હવે એકજૂટ થઇ રહ્યા છે અને રાજ્યને વિશેષ દરજ્જો અપાવવા સુધી લડત આપશે.
Recent Comments