(એજન્સી) તા.ર
ભાજપના વિવાદાસ્પદ પ્રવકતા સંબિત પાત્રાની વ્યાપક ટીકા થઈ હતી. ગઈકાલે સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચેની અથડામણ સમયે એક વૃદ્ધ નાગરિક માર્યા ગયા હતા. આ સમયે તેમનો પૌત્ર તેમના મૃતદેહ પાસે બેસી રડી રહ્યો હતો. જે અંગે પાત્રાએ અણછાજતી ટિ્‌વટ કરી હતી. બોલીવૂડ હસ્તીઓ દિયા મિરઝા અને વિશાલ દદલાનીથી માંડી લેખક આતિશ તાસીરે પાત્રાની ટિ્‌વટની ટીકા કરી હતી. પાત્રાએ ટિ્‌વટ કરી માનવ કરૂણાંતિકાની મશ્કરી કરી હતી. પોતાના ધિક્કારપાત્ર પગલા માટે કોઈ પસ્તાવો વ્યક્ત કરવાને બદલે પાત્રાએ બોલીવૂડ એકટર રિશી કપૂરની પોસ્ટનો ઉપયોગ કરી પોતાની ટિ્‌વટનો બચાવ કર્યો હતો. પાત્રાએ બશીર અહેમદ ખાનના ફોટા સાથે ટિ્‌વટ કરી હતી અને આ કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે તેવી આ તસવીર સાથે કટાક્ષ કરતાં પાત્રાએ લખ્યું હતું કે, ‘પુલિત્ઝર પ્રેમીઓ’. અત્રે ઉલ્લેખનીય છે કે આ લખાણ દ્વારા પાત્રાએ કાશ્મીરના ફોટો જર્નાલિસ્ટ અને તાજેતરમાં પુલિત્ઝર એવોર્ડ મેળવનારા મહિલા પત્રકાર સામે કટાક્ષ કર્યો હતો. પાત્રાની આ ટિ્‌વટ સામે સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તેમની આ અમાનવીય હરકતની ટીકા કરી હતી.