(એજન્સી) શ્રીનગર, તા.૧ર
આગામી દિવસોમાં ત્રાસવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાની યોજના અંગે ગુપ્તચર એજન્સીઓએ સંકેત આપતાં સલામતી દળોએ રાજ્યમાં અસરકારક તપાસ અભિયાન શરૂ કર્યું હતું.
ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા મોટા હુમલાની યોજના અંગે નક્કર માહિતી આપી હતી. જૈશે-એ-મોહમ્મદના ત્રાસવાદીઓ જે ખીણમાં સક્રિય છે તેઓ આ યોજના બનાવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે જો હુમલો કરવામાં સફળ થશે તો તેમની જવાબદારી હશે. તેમ ગુપ્તચર અધિકારીએ કહ્યું છે.
સલામતી દળોના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ગુપ્તચર ખાતાની જાણકારી બે પ્રકારની છે. એક સચોટ સંકેત જે ત્રાસવાદીઓ અને તેના સાગરિતો સાથેની વાતચીતને આંતરી આપવામાં આવે છે. અથવા તો સ્થાનિક કાર્યરત ત્રાસવાદી જૂથ દ્વારા હુમલાની તૈયારીઓને લગતી છે. સચોટ સંકેત મળતાં જ વધારાનું નિરિક્ષણ હાથ ધરાય છે. ત્રાસવાદીઓ ક્યાં અને ક્યારે હુમલો કરવાના છે તેના પગલાંની માહિતી મળે છે. જો કે હાલમાં કોઈ ચોક્કસ હુમલા અંગેની માહિતી મળી નથી.
પુલવામા હુમલા બાદ ત્રાસવાદીઓ પર સલામતી દળો ત્રાટક્યા હતા. સેનાના વડા લેફ. જનરલ કેએસ ધીલ્લોને કહ્યું કે ત્રણ અઠવાડીયામાં ૧૮ ત્રાસવાદીઓને ઢાળી દેવાયા છે. જેમાં ૧૦ વિદેશી હતા. જેઓ જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી જૂથના હતા. સેના અને સલામતી દળો આક્રમક બની ત્રાસવાદીઓ પર ત્રાટક્યા છે.
ગુપ્તચર વિભાગે માહિતી આપી હતી કે જૈશ-એ-મોહમ્મદ આગામી દિવસોમાં મોટો હુમલો કરી શકે છે. તે પોતે હુમલો કરે કે લશ્કરે તોઈબા અને હિઝબુલ મુજાહિદીન દ્વારા કરાય તેવી સંભાવના છે.