(એજન્સી) શ્રીનગર, તા.૧પ
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વિખ્યાત સૂફી ઓલિયા હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.)ની દરગાહ અજમેર શરીફની ગુરૂવારે મુલાકાત લીધી હતી અને કાશ્મીરની શાંતિ અને સમૃદ્ધિ માટે ઓલિયા હઝરત ખ્વાજા મોઈનુદ્દીન પાસે દુઆ કરી હતી. મુખ્યમંત્રી મુફ્તીએ ટ્‌વીટ પર લખ્યું કે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.)ના મજાર પર કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિની દુઆ માટે ગયા હતા. ખ્વાજા સાહેબે સમગ્ર માનવજાતને લોકો સાથે પ્રેમથી વર્તવા અને કોઈના પણ પ્રત્યે દ્વેષભાવ ન રાખવાનો અનંતકાલીન સંદેશો આપ્યો છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.) સાહેબના આ આદેશોનું સ્મરણ કરીને તેમણે જમ્મુ-કાશ્મીરના તમામ લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની દુઆ કરી હતી.
જમ્મુ-કાશ્મીર વિભાગના બે અલગ અલગ હુમલાઓમાં શહીદ થયેલ જવાનો અને નાગરિકોના મૃત્યુના થોડા દિવસ પછી મહેબૂબા મુફ્તીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.)ના મજાર શરીફની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુમાં સુંજવા આર્મી કેમ્પ પર થયેલ હુમલામાં ૬ જવાનો નાગરિકોના મોત થયા હતા. જ્યારે કરણનગર હુમલામાં ત્રણ નાગરિક સહિત બે જવાનો અને સીઆરપીએફના માણસો શહીદ થયા હતા.