(એજન્સી) શ્રીનગર, તા. ૨૩
પોલીસ અને અર્ધલશ્કરી દળો વિરૂદ્ધ શેરીઓમાં ઉતરી વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પરઅંકુશ મુકી સરકારે રવિવારે કાશ્મીર ખીણમાં ચાલતા તમામ ખાનગી ટ્યુશન ક્લાસિસ બંધ ત્રણ મહિના માટે કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષણ મંત્રી મોહંમદ અલ્તાફ બુખારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ સુધી ટ્યુશન કરાવતા તમામ ટ્યુશન ક્લાસિસ આ આદેશથી બંધ કરવામાં આવે છે અને તેની દર ૧૫ દિવસમાં સમીક્ષા થશે. આ અંગે જિલ્લા વહીવટીતંત્રને મળવાનું રહેશે. આગામી ૯૦ દિવસ માટે તમામ તાલીમી કેન્દ્રો બંધ રહેશે. ૧૨માની પરીક્ષા પાસ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સ કરવા માગે છે તેઓ માટે આ પ્રતિબંધ લાગુ નથી. બુખારીએ મુખ્ય શિક્ષણ અધિકારીઓ, ઝોનલ શિક્ષણ અધિકારીઓ અને હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલો સાથે બેઠક કર્યા બાદ આ નિવેદન જારી કર્યું હતું. મંત્રીએ કાશ્મીરના શાળા શિક્ષણ ડાયરેક્ટરને શિક્ષકો, શિક્ષિકાઓ અને લેક્ચરર્સની યાદી આપવા પણ કહ્યું છે જેઓ પ્રાઇવેટ ટ્યુશન કરાવે છે. તેઓએ શિક્ષકો અને વાલીઓની દર અઠવાડિયે બેઠકનું આયોજન કરવા પણ તાકીદ કરી છે. પોતાને લાગતા વળગતા સીઇઓના પણ સંપર્કમાં રહી તેમને પડતી મુશ્કેલીઓ જણાવવા મંત્રીએ શાળાના પ્રિન્સિપાલોને આદેશ કર્યો છે. તેમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં પરત ફરી કામ શરૂ કરવા અપીલ કરી હતી. આ નિર્ણયથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણય બાદ નક્કી છે કે, વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં શેરીઓમાં નીકળી પડશે. સરકાર વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ આપી શકતી નથી અને જો કોઇ આવું કરવાનો પ્રયાસ કરશે તો તેમની પાસે વધુ વિકલ્પો બચતા નથી. વિદ્યાર્થીઓએ કહ્યુંહતું કે તેમને શાળા અને કોલેજોમાં વધુ ભોગવવાનો વારો આવે છે ટ્યુશન ક્લાસિસમાં તેઓને તકલીફ પડતી નથી.
સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે : ગિલાની
(એજન્સી) શ્રીનગર, તા. ૨૩
હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીએ જણાવ્યું હતું કે, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસ બંધ કરવાનો સરકારનો આદેશ દર્શાવે છે કે, વિદ્યાર્થીઓને તેમનો શિક્ષણનો અધિકાર નહીં અપાય. પોતાના હૈદરપોરા વિસ્તારના મકાન ખાતે સેમિનારમાં તેમણે કહ્યું હતું કે, આપણા છોકરા અને છોકરીઓનો શિક્ષણનો અધિકાર છીનવાઇ જશે. અમે નખશિખ સુધી આ નિર્ણયનો વિરોધ કરીશું. તેમણે કહ્યું કે, કોચિંગ સેન્ટરોને બંધ કરવાના નવી દિલ્હીના વધુ એક સરમુખત્યારશાહી નિર્ણયનું જમ્મુ-કાશ્મીર સરકારે પાલન કર્યુ છે.
Recent Comments