(એજન્સી) તા.૨
૨૫ ફેબ્રુ.ના રોજ ગંદરબાલ જિલ્લામાં કાશ્મીરની પોલીસે એવું નિવેદન જારી કર્યુ હતું કે તેમણે એક યુવાનને ત્રાસવાદી નેટવર્કમાં જોડાતાં અટકાવ્યો છે. આ ૧૭ વર્ષના યુવાનને કસ્ટડીમાં લઇ જઇને તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાયત ધારા (યુએપીએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ યુવાનનો અપરાધ એટલો હતો કે તેણે કાશ્મીરમાં હજુ પણ જેના પર પ્રતિબંધ છે એવી સોશિયલ મીડિયા વેબસાઇટ સુધી પહાેંચ બનાવવા વર્ચ્યુલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો દુરુપયોગ કર્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સાઇબર પોલીસની એફઆઇઆર હેઠળ કોઇ સીધી ધરપકડ કરાઇ નથી, પરંતુ જિલ્લા સ્તરે દાખલ કરાયેલ એફઆઇઆર હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
૧૭, ફેબ્રુ.થી સોશિયલ મીડિયા અને વીપીએના ઉપયોગ માટે ધરપકડના પાંચ કિસ્સા ધ્યાન પર આવ્યાં છે. જેમાં ૧૭ વર્ષના આ કિશોરનો સમાવેશ થાય છે કે જે ધો.૯માં અભ્યાસ કરે છે. પોલીસ નિવેદનમાં એવો દાવો કરાયો છે કે આ કિશોર વીપીએન એપ્લિકેશન સાથે સંકળાયેલા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સંપર્કમાંંં હતો. આ આરોપી યુવાન ઉદામવાદી બની ગયો હતો અને તેણે ફેસબુક પર વાંધાજનક કન્ટેન્ટ અપલોડ કર્યુ હતું જેમાં આઇએસઆઇએસની વિચારધારાના અપપ્રચારનો પણ સમાવેશ થતો હતો. ધો.૯માં અભ્યાસ કરતાં આ કિશોરની ધરપકડથી તેનો પરિવાર પણ દિગ્મૂઢ બની ગયો છે. તેની કઝીન ફિદોશા કહે છે કે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આથી શાળા બાદ તે પોતાના માતા અને બહેનની સંભાળ લેવા શ્રમિક તરીકે કામ કરે છે. એ દિવસે તે પડોશની કેટલીક દુકાનોના બાંધકામમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ૨૧, ફેબ્રુ.ના રોજ કૂપવાડા જિલ્લાના હંદવારા વિસ્તારમાંથી પણ એક અન્ય સગીરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ સગીરને શ્રીનગરના બાળ સંરક્ષણગૃહમાં ખસેડવામાં આવ્યો છે. આમ કાશ્મીરમાં સોશિયલ મીડિયાના કહેવાતા દુરુપયોગ બદલ શ્રેણીબદ્ધ ધરપકડો થઇ છે.