(એજન્સી) તા.ર
શ્રીનગરના નાગરિકોએ સરકાર સામે રોષ ઠાલવવા અને દેખાવો કરવાની નવી રીત શોધી કાઢી છે. હવે ત્યાં દરરોજ ફક્ત ત્રણ કલાક માટે જ બજારો ખુલ્લાં મૂકવામાં આવે છે જેથી કરીને લોકો તેમની જરુરિયાતની વસ્તુઓ ખરીદી શકે. આખા દિવસ દરમિયાન પછીથી માર્કેટને બંધ રાખવામાં આવે છે. તેઓ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો છીનવી લેવા અને તેનો દરજ્જો ઘટાડી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવાના મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.
જોકે ર૦૧૬ કે ર૦૧૦ના દેખાવોની જેમ આ વખતે કોઇ અલગતાવાદી આ લોકોને કોઇ નિર્દેશ નથી આપી રહ્યા. આ વખતે કોઇએ તેમને હડતાળ પાડવા કે દેખાવો કરવા માટે કહ્યું નથી. તેમ છતાં માર્ગો પર કોઇ વાહનો જોવા મળી રહ્યાં નથી અને બજારો હજુ પણ બંધ જ સ્થિતિમાં પડી રહ્યાં છે. જે વિસ્તારોમાં સેના દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરાયો છે તે વિસ્તારોમાં જ એ પણ ફક્ત ખાનગી વાહનોની જ અવરજવર જોવા મળી રહી છે.
લારીવાળાઓ અને શેરીમાં ફરતાં ફેરિયાઓએ સુરક્ષિત વિસ્તારોમાં પોતાની દુકાનો લગાવવાની શરુઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે બધું સ્થિર થઇ જશે તેના પગલે આ લોકો આટલી હિંમત કરી શક્યા છે. તમારૂં કલમ ૩૭૦ હટી ગયા પછી બનેલા જમ્મુ-કાશ્મીરમાં સ્વાગત છે. અહીં ર૦૧૬-ર૦૧૦ની જેમ આ વખતે કોઇ મોટા દેખાવો કે મોટા પથ્થરમારાની ઘટના બની નથી. લોકડાઉનની સ્થિતિને પણ પ૮ દિવસ વીતી ગયા છે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ હટાવીને તેનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લીધાને.
હાલમાં ત્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે અને તેના કારણે જ કોઇપણ નાગરિક પોતાના ઘરની બહાર આવી રહ્યું નથી. છેલ્લે પ ઓગસ્ટના રોજ જ કલમ ૩૭૦ હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકાર દ્વારા લગભગ ૭૮ હજાર જેટલા વધારાના સૈનિકોને જમ્મુ-કાશ્મીર મોકલી દેવાયા હતા. આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે ? આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઊઠાવાઇ ચૂક્યો હોવા છતાં સુધી સરકાર હવે ત્યાંની સ્થિતિને હળવી કેમ કરતી નથી. ત્યાંથી લોકડાઉનની સ્થિતિને દૂર કેમ નથી કરતી ? આ હજુ એક સવાલ જ છે.