(એજન્સી) તા.૨
ટિ્‌વટર ફરી એકવાર વિવાદમાં છે. કાશ્મીર વાલા નામની મલ્ટીમીડિયા મેગેઝીનનું એકાઉન્ટ ફક્ત એટલા માટે બ્લોક કરી દીધું કેમ કે તેણે ઓગસ્ટ મહિનાની પોતાની એક સ્ટોરીમાં પોલીસની આક્રમકતાને ઉઘાડી પાડી હતી. શુક્રવારે તેના માલિકે જણાવ્યું કે શિયા સમુદાયના લોકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા દમનનો અમે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને તે બદલ જ અમારું એકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું છે.
અહેવાલને શીર્ષક આપવામાં આવ્યું હતું કે મહિલાઓ, બાળકોના સરઘસ પર પેલેટનો મારો. આ અહેવાલ ૨૯ ઓગસ્ટના હતા. તેમાં વિગતવાર જણાવાયું હતું કે કેવી રીતે મહિલાઓ, બાળકો અને પુરૂષો પર સેંકડો પેલેટનો મારો ચલાવાયો. આ ઘટના મોહરમના સરઘસ દરમિયાન બની હતી. ઈમામ હુસૈન(ર.અ.)ની યાદમાં મોહરમની ઉજવણી દુનિયાભરમાં કરવામાં આવે છે.
જોકે ગુરુવારે આ સ્ટોરી ફરીવાર પોસ્ટ કરવામાં આવી હતી. જોકે આ ટિ્‌વટરના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું. ટિ્‌વટરે જણાવ્યું કે કોઈ એક વ્યક્તિના મોતનો અહેવાલ ફરીવાર પ્રકાશિત કે પોસ્ટ કરવો તે અમારા નિયમો વિરુદ્ધ છે. આ મેગેઝીનના માલિક અને સંપાદક ફહદ શાહે કહ્યું કે અમને તો એ નથી સમજાતું કે કોઈ અહેવાલ જે પહેલા પણ પ્રકાશિત કરાયું છે તેને ફરીવાર પોસ્ટ કરવામાં આવતા તે નિયમોનું ઉલ્લંઘન કઈ રીતે બની શકે ?
તેમણે પોતાના એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે અમારા મીડિયાએ નિઃશસ્ત્ર નાગરિકો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાનું કવરેજ કર્યુ હતું. આ લોકો ધાર્મિક સરઘસ કાઢી રહ્યા હતા. આ મામલો ૨૦૨૦ ઓગસ્ટનો હતો પરંતુ અમારી ટિ્‌વટથી કોઈ હિંસાને પ્રોત્સાહન અપાયું નથી. આ તો નિઃશસ્ત્ર નાગરિકો પર કરવામાં આવેલા હુમલાનો પુરાવો છે.