(એજન્સી) શ્રીગર, તા. ૨૬
પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના અડ્ડાઓ પર ભારતીય વાયુ દળ દ્વારા કરવામાં આવેલા હુમલાના સમાચાર ફેલાતા કાશ્મીર ખીણમાં તનાવપૂર્ણ માહોલ છે અને લોકોના ચહેરા પર ભય દેખાય છે. કાશ્મીરીઓ મંગળવારે સવારે જાગ્યા ત્યારે ટીવી ન્યૂઝ ચેનલોમાં બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પ્સ પર આઇએએફના ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો કરાયાના અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. શેરીઓમાં નાના-નાના જૂથોમાં લોકો હવાઇ દળની કાર્યવાહીના પરિણામ વિશે ચર્ચા કરતા જોવામાં આવ્યા હતા. હવે શું થવાનું છે ? તેના વિશે ખીણના સામાન્ય લોકોને ચિંતિત જોવામાં આવ્યા હતા. કાશ્મીર ખીણમાં હવાઇ માર્ગે અર્ધ-લશ્કરી દળોની વધુ ૧૦૦ કંપનીઓ મોકલવામાં આવ્યા બાદ મંગળવારે ભારતીય વાયુ દળ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં હુમલો કરવામાં આવ્યો છે. કાશ્મીરના સ્થાનિક લોકોને સત્તાવાર નિવેદન પર શંકા હતી. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓ માટે પ્રારંભિક ક્વાયતના ભાગરૂપે વધારાના અર્ધ-લશ્કરી દળોને વિમાન માર્ગે કાશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. એક નિવૃત્ત સરકારી કર્મચારી બશીર એહમદે જણાવ્યું કે અમે હંમેશ માનીએ છીએ કે જ્યારે પણ બંને દેશોએ એક-બીજાને લક્ષ્યાંક બનાવવાનું નક્કી કરે છે ત્યારે તેઓ એલઓસી પર આવું જ કરે છે. આ ઘટનાક્રમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા બડગામ જિલ્લાના એક નિવાસી અલી મોહંમદ ડારે જણાવ્યું કે અમારા ભાગ્યમાં જે છે તે થશે. આજે હું ઘરેથી બહાર જઇશ નહીં. આવા સમયે પરિવાર સાથે રહેવાનું બહેતર છે. એટલું જ નહીં, સ્થાનિક લોકોને તેમના બાળકોના અભ્યાસ વિશે પણ ચિંતા છે.