(એજન્સી) શ્રીનગર, તા.૩
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે કાશ્મીરીઓ પર કાયદાઓ થોપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, કાશ્મીરી યુવાઓના ભવિષ્યને બચાવવા માટે અમે ગમે તે હદ સુધી જઈશું. પહેલા કાયદાઓ તમામ લોકોની સલાહ-સૂચન પર બનતા હતા, અને તે ખરા અર્થમાં લોકો માટેના કાયદા હતા. પરંતુ હવે કાશ્મીરીઓ પર કાયદા થોપી દેવામાં આવી રહ્યા છે. આ તમામ તેમના અસ્તિત્વની વિરૂદ્ધ છે. અમે આ સહન નહીં કરીએ. નોંધનીય છે કે ૧૪ મહિના સુધી નજરકેદ રહ્યાં બાદ છૂટેલા મહેબૂબાના એક નિવેદનને લઈને તાજેતરમાં વિવાદ ઊભો થયો હતો. થોડા દિવસ પહેલા તેમણે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમના હાથમાં જમ્મુ-કાશ્મીરનો ઝંડો લહેરાવતા કહ્યું હતું કે, ’મારો ઝંડો આ છે. જ્યારે આ ઝંડો પરત આવશે ત્યારે અમે ત્રિરંગો લહેરાવીશું. જ્યાં સુધી અમને ઝંડો પરત નહીં મળે ત્યાં સુધી અમે કોઈ જ ઝંડો નહીં ફરકાવીએ. અમારો ઝંડો જ ત્રિરંગા સાથેનો અમારા સંબંધ સ્થાપિત કરે છે.’ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મહેબૂબા મુફ્તિએ કહ્યુ હતુ કે, આપણે આર્થિક રીતે બાંગ્લાદેશની પાછળ ચાલ્યા ગયા છીએ. પછી તે રોજગારનો મુદ્દો હોય કે બીજો કોઈ, સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહી છે. આ સરકાર પાસે કોઈ એવું કામ નથી, જેને બતાવીને તે મત માંગી શકે. આ લોકો કહે છે કે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકાય છે. પછી કહે છે કે મફતમાં કોરોના વેક્સીનનું વિતરણ કરીશું. આજે પીએમ મોદીએ વોટ માંગવા પર આર્ટિકલ ૩૭૦ની વાત કરવી પડે છે.