(એજન્સી)      તા.૯

પહેલા તેઓ કાબુલ તરફ જુએ છે ત્યાર બાદ તેમનું ધ્યાન જમ્મુ અને કાશ્મીર તરફ જાય છે. હું અહી તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદની વાત કરૂં છું. આ આતંકી સંગઠનો પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇની કઠપૂતળી તરીકે કામ કરે છે. છેલ્લા એકાદ વર્ષમાં જૈશ-એ-મોહમ્મદે પોતાના આઇએસઆઇ હેન્ડલર્સ મારફતે અફઘાન તાલિબાનો સાથે નિકટના સંબંધો જાળવ્યાં છે અને દ.પંજાબ, ખાઇબર પખ્તુન્ખ્વા અને એફએટીએ પ્રાંતોમાંથી ભરતી થયેલા પાકિસ્તાની આતંકીઓનો સતત પ્રવાહ પૂરો પાડે છે. બાલાકોટ સહિતના જૈશની તાલીમ છાવણીઓએ અફઘાન તાલિબાનોને સારી એવી સંખ્યામાં યુદ્ધમાં માહેર એવા આતંકી યોદ્ધાઓ પૂરા પાડ્યાં છે. આ ઉપરાંત જૈશે તાલિબાન અને હકાની નેટવર્કને અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરવા માટે આત્મઘાતી બોંબરો પણ પૂરા પાડ્યાં છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનમાં નંગરહાર પ્રાંત તાલિબાનોએ જૈશ-એ મોહમ્મદને વાસ્તવમાં હવાલે કરી દીધો છે. આ વિસ્તારમાં સંખ્યાબંધ તાલીમ છાવણીઓ ચાલે છે. તેમાંની કેટલીક તાલિબાનોના સીધા અંકુશ હેઠળ છે. તેઓ જૈશના ખૂબ ઓછી સંખ્યામાં સભ્યોને સામેલ કરે છે જ્યારે અન્ય મુસ્તાક્વીર નામની છાવણીઓનો જૈશ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ છાવણીઓનો હકાની અને તાલિબાન આતંકીઓને તાલીમ આપવા માટે ઉપયોગ થતો હતો. પાછળથી પાકિસ્તાનમાં હકાની આતંકીઓને જૈશ દ્વારા પૂરી પાડવામાં આવેલ તાલીમ સુવિધાઓની બદલામાં જૈશના સભ્યોને આ છાવણીઓ હવાલે કરવામાં આવી હતી. જૈશના આતંકીઓ આઇએસઆઇની સૂચના હેઠળ ખાઇબર એજન્સી અને પાન ચિનારથી નંગરહાર પ્રાંતમાં ખસેડવામાં આવ્યા છે ત્યારથી આ છાવણીઓમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જુદા જુદા જિલ્લાઓમાંથી નવા ભરતી પામેલા અને તાલીમાર્થી આતંકીઓને આ છાવણીમાં લાવવામાં આવે છે. આ છાવણીઓનો ખર્ચ જૈશ-એ-મોહમ્મદ ઉપાડે છે. ખોગિયાની જિલ્લામાં આજુબાજુના ગામોમાં સંખ્યાબંધ તાલીમ છાવણીઓ આવેલ છે. અહી તાલીમાર્થીઓ માટે હોસ્ટેલ, મેદાનો, હોસ્પિટલો, મસ્જિદો વર્ગખંડો અને તાલીમ આપનારા પ્રશિક્ષકોના નિવાસસ્થાન આવેલ છે. અહીં ફિઝીકલ ટ્રેનિંગ, વર્ગખંડના પાઠ, શસ્ત્રો બનાવવાની તાલીમ, શસ્ત્રો અને દારુગોળાનો ઉપયોગ કઇ રીતે કરવો વગેરે જેવી તાલીમ આપવામાં આવે છે. તાલીમ માટે એકે ૪૭, લાઇટ મશીનગન, રોકેટ લોંચર્સ, ગ્રેનેડ અને વિસ્ફોટકોનો ઉપયોગ થતો હોવાનું સાક્ષીઓએ નજરે જોયું છે. મસુદ અઝહરનો ભાઇ મુફ્તી અબ્દુલ રાઉફ અઝગર કાશ્મીરી એ નંહગરહાર તાલીમ છાવણીઓનો વડો છે. આમ કાશ્મીરમાં હવે મોટો ખતરો તોળાઇ રહ્યો છે કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદની તાલીમ છાવણીઓ પૂરજોશમાં ધમધમી રહી છે.