(એજન્સી) જમ્મુ-કાશ્મીર, તા.ર૭
જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મોટી સફળતા મળી છે. આતંકવાદી સંગઠન ISIS સાથે બીજીવાર જોડાઈ રહેલી પુણાની ૧૮ વર્ષીય સંદિગ્ધ છોકરીની કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા આશંકા હતી કે તે પ્રજાસત્તાક દિવસ પર કાશ્મીર ઘાટીમાં આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતી અને આ પહેલાં જ કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા ગુરૂવારે રાત્રે ૧૮ વર્ષીય છોકરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, ૧૮ વર્ષીય છોકરી પુણેથી આવી હતી અને તેની ઓળખ સાદિયા શેખના રૂપમાં થઇ છે. ઉલ્લેખનીય છે કે, ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર પોલીસના ATS સેલ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે, પુણામાં રહેનારી એક ૧૮ વર્ષીય છોકરી ISIS સાથે જોડાઈ ગઈ છે અને તે પ્રજાસત્તાક દિવસ પર આતંકવાદી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. આ એલર્ટના આધારે સંદિગ્ધ છોકરીની કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. પુણા એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહેલી એક છોકરી પુણાની હોવાની સંભાવના છે. આ મામલે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને સંબંધિત તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. આ પહેલા આ સંદિગ્ધ છોકરીની ૧૭ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ISISના સંપર્કમાં હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે છોકરીની ઉંમર ૧૬ વર્ષ હતી. તે સમયે પોલીસની સતર્કતા અને સાવધાનીના કારણે તેણે ISIS સાથે જોડતા રોકી લેવામાં આવી હતી. ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આ છોકરી ISIS સાથે જોડાવવા માટે સીરિયા જવાની તૈયારીમાં હતી. તેના સંપર્કમાં રહેલા સંદિગ્ધ આતંકવાદીઓએ તેને સીરિયાની મેડિકલમાં અભ્યાસ કરવા માટે લાલચ આપી હતી. જમ્મુ-કાશ્મીરના એડીજી મુનીર અહેમદખાને આ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમને મળેલા ઈનપુટના આધારે છોકરી કાશ્મીર ઘાટીમાં કોઈ મોટી ઘટનાને આકાર આપવાની યોજના ઘડીને આવી હતી. આ સૂચના સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરીને તેના પર સતર્ક થઈ કામે લાગતા તેને પકડવામાં સફળતા મળી હતી. આગળ તપાસમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ બે વર્ષ પહેલાં આતંકવાદ વિરોધ ટીમે છોકરીની માહિતી એકઠી કરી હતી. જે આઈએસ સાથે જોડાયેલી હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા હતા. આજ દરમિયાન છોકરીના માતાપિતાએ મળીને તેનું કાઉન્સિલીંગ કરતા ત્યારબાદ તે અદૃશ્ય થઈ ગઈ હતી.