(એજન્સી) તા.૭
કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર તાજેતરમાં લોકડાઉનના કારણે કાશ્મીરના અર્થતંત્રને રૂા.૪૦૦૦૦ કરોડના જંગી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે અસંખ્ય લોકાએ રોજગાર ગુમાવ્યાં છે. ખાસ કરીને કાશ્મીરના પ્રવાસનની આધારશિલા સમાન હાઉસ બોટ બિઝનેસને સૌથી મોટો ફટકો પડ્યો છે.
ટુ સર્કલ્સ ડોટનેટ સાથેની વાતચીતમાં કાશ્મીર હાઉસ બોટ ઓનર્સ એસોસિએશનના ચેરમેન હામીદ વાંગનુએ જણાવ્યું હતું કે જ્યારે હાઉસબોટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પોતાના પરિવારનું ગુજરાન કરી શકે એવી હાલતમાં નથી ત્યારે તેઓ પોતાની હાઉસબોટના મેન્ટેનન્સનો ખર્ચ કઇ રીતે ચૂકવી શકે ? હાઉસ બોટના માલિકો બોટની જાળવણી યોગ્ય રીતે નહીં કરી શકતાં કેટલીય હાઉસ બોટ ડાલ સરોવરમાં ડૂબી ગઇ છે. હાઉસ બોટ સાથે સંળાયેલા ઘણા લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે કારણ કે તેમની પાસે ખોરાક ખરીદવાના નાણા નથી.
સરકારે એવું જણાવ્યું હતું કે કલમ ૩૭૦ રદ કર્યા બાદ કાશ્મીરમાં વિકાસ થશે પરંતુ પ્રવાસન ઉદ્યોગની સ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે અને કોઇ પણ અમારી વહારે આવતું નથી. જો આ સ્થિતિમાં કોઇ લાંબો સમય સુધી ફેરફાર નહીં થાય તો કાશ્મીરમાં પ્રવાસન જેવું કઇ રહેશે નહીં. ડાલ સરોવરના કિનારે રહેલી હાઉસ બોટ્સના ગ્ર્રુપની માલિકી મંઝૂર અહમદ પખ્તુનની છે. તેમનો પરિવાર ૭ દાયકાથી આ બિઝનેસમાં છે પરંતુ પ્રથમ વખત તેઓ આ બિઝનેસમાંથી ફેંકાઇ ગયાં છે. મંઝૂર અહમદના જણાવ્યા પ્રમાણે પ્રવાસન ઉદ્યોગ માટે આ કાળુ વર્ષ છે. મંઝૂરના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીર સરકારે લોકડાઉન દરમિયાન રાહત પેકેજ તરીકે હાઉસ બોટના માલિકોને રૂા.૧૦૦૦ માસિક આપવાની ઓફર કરી હતી, પરંતુ કાશ્મીર હાઉસ બોટ ઓનર્સ એસોસિએશને સરકારનો આ નિર્ણય તેમની મુશ્કેલીઓ પર ક્રૂર મજાક ગણીને સરકારની આ ઓફર સીધે સીધી ફગાવી દીધી હતી. દર વર્ષે હાઉસબોટની જાળવણી પાછળ રૂા. ૧ લાખનો ખર્ચ થાય છે. આ સંજોગોમાં માત્ર રૂા.૧૦૦૦થી શું થવાનું છે ? ૧૦૦૦ રુપિયાથી અમે શું કરી શકવાના છીએ ? અમારી માગણી છે કે બેલઆઉટ પેકેજ જાહેર કરવામાં આવે અને અપગ્રેડેશન માટે નાણાકીય સહાય કરવામાં આવે. આમ હાઉસ બોટ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો શૂન્ય કમાણી સાથે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી યાતના ભોગવી રહ્યાં છે. ૫ લાખ કરતાં વધુ લોકોએ રોજગાર ગુમાવ્યા છે. લાંબા ગાળાના કર્ફ્યુ બાદ અમને આશા હતી કે ફેબ્રુ.માં ખુલી જશે પરંતુ હવે આ આશા સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. હવે મામલો રીવાઇવલનો નહીં, પરંતુ સરવાઇવલનો છે.
– (સૌ.ઃ ટુ સર્કલ.નેટ)
Recent Comments