(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
તાલિબાને સોમવારે સોશિયલ મીડિયામાં ફરી રહેલા એ દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા આતંકવાદમાં જોડાઈ શકે છે. તાલિબાને કહ્યું હતું કે, કોઈ પણ દેશની આંતરિક બાબતમાં દખલ ન કરવાની તેમની નીતિ ઘણી સ્પષ્ટ છે. કતારના દોહા સ્થિત તાલિબાનના રાજકીય કાર્યાલયમાં રહેલા સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ભારત અંગે ફરી રહેલું નિવેદન ઈસ્લામિક અમીરાત સાથે સંકળાયેલું નથી. તેણે કહ્યું હતું કે, પાડોશી દેશો અંગે અમીરાતની નીતિ ઘણી ચોક્કસ છે, અમે અન્ય દેશોની આતંરિક બાબતોમાં દખલગીરી કરતાં નથી. ઉલ્લેખનીય છે કે, તાલિબાન પ્રવક્તાના નામે કરવામાં આવેલા કેટલાક ટિ્વટમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભારત સાથે મિત્રતા શક્ય નથી. બીજી તરફ અમેરિકા પણ ઈચ્છે છે કે, નવી દિલ્હી તાલિબાન સાથે મંત્રણા કરે. ફેબ્રુઆરીમાં દિલ્હીની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ઝાલમાય ખલિલઝાદે પણ આ અંગે ભારત સાથે વાતચીત કરી હતી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ-પ્રક્રિયામાં મહત્ત્વનો પક્ષકાર છે.
કાશ્મીર ભારતની આંતરિક બાબત, ખીણમાં આતંકવાદ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયત્નોમાં સામેલ નહીં થઈએ : તાલિબાન

Recent Comments