(એજન્સી) જમ્મુ, તા. ૨૨
જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં અંકુશ રેખાની ફરતે પાકિસ્તાની સેનાએ કરેલા આડેધડ ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. આમ આ મહિને સરહદ પારથી થયેલા ગોળીબારમાં શહીદ સૈનિકોની સંખ્યા વધીને ચાર થઇ છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પાકિસ્તાની સેના અને રેન્જરોએ કથુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની ફરતે તેમજ પૂંચ જિલ્લામાં કૃષ્ણ ઘાટીમાં અંકુશ રેખાની ફરતે આગળની ચોકીઓ અને વિસ્તારોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જેને પગલે ભારતીય દળોએ પણ જોરદાર વળતો જવાબ આપ્યો હતો તેમ અધિકારીઓએ કહ્યું હતું. જમ્મુમાં આવેલાં સેનાના પીઆરઓ લેફ્‌ટેનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે ’પાકિસ્તાની સેનાએ રાજોરીના નોશેરા સેક્ટરમાં અંકુશ રેખાની ફરતે યુદ્ધવિરામનો ભંગ કરીને આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં હવલદાર દીપક કારકીને ગંભીર ઇજા થઇ હતી. એ પછી તેઓ મોતને ભેટ્યા હતા.’ તેમણે ઉમેર્યું હતું કે આ સેક્ટરમાં સરહદ પારથી ફાયરિંગ સવારે ૫ઃ૩૦ કલાકે શરૂ થયું હતું અને ભારતીય સેનાએ તેનો અસરકારકરીતે જવાબ આપ્યો હતો. જોકે વળતા હુમલામાં પાકિસ્તાન બાજુએ કેટલી ખુવારી થઇ છે તે તત્કાળ જાણી શકાયું નથી. લેફ્‌ટેનેન્ટ કર્નલ આનંદે કહ્યું હતું કે કારકી બહાદુર, અત્યંત પ્રેરિત અને પ્રામાણિક સૈનિક હતા. ફરજ પ્રત્યેની તેમની ફરજ અને બલિદાન અંગે રાષ્ટ્ર તેમનું કાયમ ઋણી હશે.’ આની સાથે જ આ મહિને રાજોરી અને પૂંચ જિલ્લામાં અંકુશ રેખાની ફરતે પાકિસ્તાની ફાયરિંગમાં સેનાનો ચોથો જવાન શહીદ થયો છે. અગાઉ ચોથી, ૧૦ અને ૧૪ જૂને જવાનો શહીદ થયા હતા. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સરહદની ફરતે પાકિસ્તાની સેના દ્વારા તોપમારામાં વધારો થયો છે. ૧૦ જૂન સુધી પાકિસ્તાન દ્વારા ૨,૦૨૭થી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ પૂંચ જિલ્લામાં કૃષ્ણઘાટી સેક્ટરમાં આગળની ચોકીઓને નિશાન બનાવી હતી. સવારે આશરે ૦૩ઃ૩૦ કલાકે પાકિસ્તાની સેનાએ નાના શસ્ત્રોથી ફાયરિંગ શરૂ કર્યું હતું અને તેની સાથે સાથે તોપમારો પણ શરૂ કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં અહેવાલ સુધી બન્ને સેક્ટર્સમાં સરહદ પારથી તોપમારો ચાલુ જ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સરહદે પણ પાકિસ્તાની રેન્જરોએ કથુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરના કરોલ મતરાઇ વિસ્તારમાં આગળની ચોકીઓ અને ગામો પર ભારે ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન બાજુથી મોડીરાત્રે એક કલાકે આડેધડ ફાયરિંગ શરૂ કરાયું હતું અને બીએસએફે પણ તેને વળતો જવાબ આપ્યો હતો.