(એજન્સી) લખનઉ, તા. ૫
કાસગંજમાં ફરી એકવાર કોમી શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર સોમવારે અહીં એક મસ્જિદનો દરવાજો સળગેલો જોવા મળ્યો હતો ત્યારબાદ લોકોના ટોળા અહીં એકઠા થયા હતા. વિસ્તારના સબજી બજારમાં આવેલી મસ્જિદનો દરવાજો વહેલી સવારે સળગી રહ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી તેના પર કાબુ મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ કોમી શાંતિ ભંગ કરવા માટેનું કૃત્ય છે. ઘટના બાદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમને સ્થાનિક લોકોનો ગુસ્સો વહોરવાનો વારો આવ્યો હતો. કાસગંજમાં ત્યારે હિંસા ભડકી હતી જ્યારે ગણતંત્ર દિવસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હિંસા ભડકતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ઘણા લોકો ઘવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, ઘટના બાદ બજારની દુકાનો બંધ છે અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, તેઓ ઘટનાસ્થળે નજર રાખી રહ્યા છે પરંતુ કોઇ હિંસાની ઘટના બની નથી. સ્થિતિને બારીકાઇથી નજર રાખવામાં આવે છે અને જિલ્લા વહીવટીતંત્ર ઘટનાસ્થળે જ છે. રાજ્યના ગૃહ વિભાગે પણ કહ્યંુ કે, વિસ્તારમાં શાંતિ પરત ફરી રહી છે અને આ ઘટના પાછળના જવાબદારોને છોડવામાં નહીં આવે.