(એજન્સી) કાસગંજ, તા.ર૯
ઉત્તરપ્રદેશના કાસગંજમાં ભડકેલી કોમી હિંસાનમાં કેટલીક નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કેટલાક લોકોએ શરીરના અનમોલ અંગ ગુમાવતા વિકલાંગતાની ખપ્પરમાં હોમાયા. કાસગંજમાં વકરેલી કોમી હિંસામાં લખીમપુર-ખીરીના યુવાને પોતાની એક આંખ ગુમાવવી પડી. પ્રાપ્ત વિગતો મુજબ હાર્ડવેર સ્ટોર ચલાવતા લખીમપુર-ખીરીના ૩૧ વર્ષીય અકરમ હબીબને આ હિંસામાં પોતાની એક આંખ ગુમાવવી પડી હતી. અલીગઢના જેએન મેડિકલ કોલેજમાં પોતાની આંખની ઈજાઓની વિસ્મૃતિ કરતા હબીબે જણાવ્યું કે ગણતંત્ર (ર૬મી જાન્યુઆરી)ના રોજ હબીબ કાસગંજ તેમની સાસરીમાં આવ્યા હતા. હબીબની પત્ની અનમની બીજા દિવસે ડિલિવરી થવાની હોવાથી તે પત્ની પાસે કાસગંજ ગયા હતા. હિંસા બાદ હબીબ પત્નીને કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. હબીબના જણાવ્યા મુજબ તેમણે કેટલાક લોકોને હોસ્પિટલ જવાનો રસ્તો પૂછ્યો હતો પરંતુ ટોળાએ હબીબની દાઢી જોઈ અને મુસ્લિમ હોવાથી તેના પર પથ્થર અને લાકડીઓનો મારો શરૂ કરી દીધો. હબીબને ખૂબ જ ખરાબ રીતે મારપીટ કરવામાં આવી. હબીબના જણાવ્યા મુજબ તેમના માથા પર બંદૂક મૂકી દેવામાં આવી. પરંતુ ગર્ભવતી પત્ની સાથે હોવાથી તેમણે મને છોડી મૂક્યો. તેમની પત્ની અનમ મદદ માટે બૂમો પાડતી રહી પરંતુ કોઈ મદદ મળી નહીં. હબીબે દાવો કર્યો કે પોલીસ એમની મદદ માટે આવી નહીં અને ઘાયલ હાલતમાં તેમણે પોતે કાર ચલાવી ગર્ભવતી પત્નીને હોસ્પિટલ લઈ જવી પડી. આ ઘટનામાં હબીબને આંખમાં ઈજા પહોંચતા આંખ ગુમાવવી પડી હતી. હબીબે કહ્યું કે તેમણે કારની બારીમાંથી માથું બાર કાઢ્યું અને ગાડી ચલાવવા લાગ્યા પરંતુ સંપત્તિઓ બળતી હોવાથી આગને કારણે દૃશ્યતા ઓછી હતી. ખૂબ જ મુશ્કેલીથી તેઓ ગર્ભવતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી શક્યા. એ સમયે તેઓ ફકત પત્નીને સહી સલામત બહાર નિકાળવા માગતા હતા. હબીબને ત્યાં પુત્રીનો જન્મ થતા તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે હબીબે જણાવ્યું કે તેઓ ખુશ છે કે પોતાની પુત્રીનો ચહેરો જોઈ શકે છે. પુત્રી જન્મથી આંખ ગુમાવવાનો અફસોસ જતો રહ્યો છે અને જેમણે હુમલો કર્યો એમને પણ હબીબે માફ કરી દીધા હતા.