(એજન્સી) સહારનપુર, તા.ર
કાસગંજ કોમી હિંસાને લઈને સોશિયલ સાઈડ પર વિવાદો થમી નથી રહ્યા. બરેલીના ડીએમની પોસ્ટ બાદ હવે સહારનપુરના નાયબ અધિકારી સાંખ્યિકી રશ્મિ વરૂણે ફેસબુક પર એક પોસ્ટ કરીને આ મામલામાં નવો વિવાદ સર્જયો છે. રશ્મિએ પોસ્ટમાં કાસગંજ હિંસાને સહારનપુર મામલા સાથે સરખાવતા લખ્યું કે કાસગંજ તિરંગા રેલી નવી બાબત નથી. આંબેડકર જયંતી પર જે રેલી કાઢવામાં આવી તેમાં આંબેડકર અદૃશ્ય હતા અથવા ભગવા રંગમાં વિલીન થઈ ગયા હતા. તિરંગાનો પણ ક્યાંય નામ નિશાન જણાતું નહોતું ફક્ત ભગવા રંગ મુખ્ય રીતે નજરે પડતો હતો. આ રેલીમાં જે યુવક મરાયો એને બીજા કે ત્રીજા સમુદાયે માર્યો નથી પરંતુ એને કેસરી, સફેદ અને લીલા રંગની આડમાં ભગવાએ પોતે જ માર્યો છે. રશ્મિએ લખ્યું કે અબ્દુલ હમીદની મૂર્તિ પર તિરંગાને લહેરાવવાને બદલે રેલીમાં જોડાવા બળજબરી કરવામાં આવી હતી. તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નાયબ અધિકારી રશ્મિની આ પોસ્ટથી મોટા અધિકારીઓ વચ્ચે જોરશોરથી ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ફેસબુક પોસ્ટમાં નાયબ અધિકારીએ બરેલીના ડીએમનું સમર્થન કર્યું છે. બરેલી ડીએમ વિક્રમસિંહ દ્વારા સ્પષ્ટીકરણ આપતી પોસ્ટ પરની ટિપ્પણીઓને શેર કરતા રશ્મિએ લખ્યું કે, સાચી વાતનું પણ પોતાને સ્પષ્ટીકરણ આપવું પડે છે. સાચા માણસને પણ માફી માંગવી પડે છે. ફેસબુક પોસ્ટ અંગે રશ્મિએ સ્પષ્ટ કર્યું કે પોસ્ટમાં એવી કોઈ બાબત લખવામાં આવી નથી જે કોઈની વિરૂદ્ધમાં હોય. ગણતંત્ર દિવસ ઉજવવાનો સૌને સમાન હક છે. એમણે લખ્યું કે કાસગંજમાં બંને પક્ષો વચ્ચે ર૬મી જાન્યુ. ઉજવવા વિવાદ ઊભો થયો હતો. વોટસ એપ પર ખોટા મેસેજ વાયરલ થયા. આવા મેસેજ રોકવાની પહેલ કરવાને બદલે વધુ વાયરલ થતા માહોલ બગાડવાના સંજોગો ઊભા થાય છે.