(એજન્સી) લખનૌ, તા.ર૯
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાયકે કાસગંજની ઘટનાને રાજ્ય માટે કલંક સમાન ગણાવી છે. સોમવારે મહારાણા પ્રતાપના પરિનિર્માણ દિવસના અવસરે રાજ્યપાલે કહ્યું કે કાસગંજની ઘટના કોઈના માટે પણ શોભાદાયક નથી. કાસગંજ હિંસાને શરમજનક દર્શાવતા તેમણે રાજ્ય સરકારને કહ્યું કે, સરકારે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી આવી ઘટનાઓ ફરી ના થાય. સરકાર આ મુદ્દે તપાસ કરી રહી છે. બીજી તરફ તાજેતરની જાણકારી મુજબ મૃતક ચંદનના પરિવારે પ્રશાસન પાસેથી વળતરની રકમ લેવાનો ઈન્કાર કર્યો છે. રવિવારે યોગી આદિત્યનાથ સરકારે ચંદનના પરિજનોને ર૦ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, કાસગંજમાં ત્રણ દિવસ સતત હિંસા બાદ આજે શાંતિ છે. આજે કાસગંજમાં કોઈ અપ્રિય ઘટનાના સમાચાર નથી. પ્રભાવિત વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસે કેટલાક શંકાસ્પદોના ઘરોની તપાસ દરમિયાન હથિયાર પણ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મુદ્દે અત્યાર સુધી ૧૧ર લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સમગ્ર મામલે પાંચ કેસ દાખલ કરાયા છે.