(એજન્સી) કાસગંજ, તા.ર૯
ઉત્તરપ્રદેશના કાસગંજમાં વકરેલી કોમી હિંસાની તપાસમાં એકતરફી પોલીસ કાર્યવાહીથી મુસ્લિમોમાં ફફડાટ પેસ્યો છે. કાસગંજમાં એકતરફી કાર્યવાહીની ખબરો વચ્ચે ત્રીજા દિવસે પણ એક દુકાનમાં આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલ છે. બીજી તરફ કાસગંજમાં મોટાપાયે હિંસા, આગ, લૂંટફાટ અને ધાર્મિક સ્થળો પર હુમલાઓ બાદ પણ વહીવટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં શહેરમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. પોલીસે અત્યારસુધીમાં ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલ બંદૂકો જપ્ત કરવામાં આવી છે. તોફાની તત્ત્વો પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાસગંજમાં કોમી હિંસા બાદ મુસ્લિમ વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને એવી પણ સૂચના મળી છે કે મુસ્લિમો વિરૂદ્ધ એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અહેવાલોથી મુસ્લિમોમાં જબરદસ્ત દહેશત ફેલાઈ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજ મુદ્દે જીડીપી અને ચીફ સેક્રેટરીની બેઠક બોલાવી છે અને હિંસામાં સંડોવાયેલ વિરૂદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) અંતર્ગત કાર્યવાહી કરવાની સંભાવનાઓનો સ્વીકાર કર્યો છે.
પોલીસ અધિકતમ મુસ્લિમ બેડામાં કાર્યવાહી કરી રહી છે અને મોટાપાયે મુસ્લિમ સંબંધિત યુવાનોની ધરપકડ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્કલાબ બ્યુરોએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે મુસ્લિમ લોકો ગંભીર રીતે ભયભીત થઈ ચૂક્યા છે એમ મુસ્લિમોએ સ્વીકાર કરતાં જણાવ્યું કે મુસ્લિમ વિસ્તારોમાં વીજળી, પાણીનો પુરવઠો અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.