(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કાસગંજ હિંસામાં રાજકીય ષડયંત્રનો ઈશારો કરનાર એસપી કુમાર સિંહની બદલી કરી નાખવામાં આવી છે.યુપીની યોગી આદિત્યાનાથ સરકારે સોમવારે કાસગંજ પોલીસ અધિક્ષક કુમાર સિંહની મેરઠ બદલી કરી નાખી છે. આઈપીએસ અધિકારી કુમાર સિંહે કાસગંજ હિંસામાં રાજકીય હાથ હોવાનો સંદેહ વ્યક્ત કર્યો હતો. મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે રાજકીય ષડયંત્રની વાત નિશ્ચિતપણે તો ન કહી શકાય પરંતુ તેનો ઈન્કાર પણ થઈ શકે તેમ નથી. એસપીએ એવું પણ કહ્યું કે તિરંગા યાત્રા દરમિયાન લોકો દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારને કારણે હિંસા થી. તેમણે એવું પણ કહ્યું કે યાત્રા માટે પરવાનગી નહોતી લેવામાં આવી. ઘટનાની વીડિયો ક્લીપે આ વાતને સાબિત કરી દેખાડી છે. કુમાર સિંહની મેરઠ પોલીસ તાલીમ શાળામાં બદલી કરી નાખવામાં આવી છે.