(એજન્સી) અલીગઢ, તા.૧૯
અલીગઢના માસિક અખબારના ન્યૂઝ પોર્ટલને કાસગંજ હિંસા દરમિયાન સરકાર અને ભગવાવાદીઓ વિરૂદ્ધ લખવું ભારે પડી ગયું છે. વાજપેયી દ્વારા યુપી સરકારના ફરિયાદ પોર્ટલ પર કરવામાં આવેલ ફરિયાદના આધારે વહીવટી આદેશથી વ્યવસ્થા દર્પણના તંત્રી અને રાલોદના નેતા ઝિયાઉર્રહમાન સામે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઝિયાઉર્રહમાન પર વ્યવસ્થા દર્પણ ન્યૂઝ પોર્ટલ ઉપર ભડકાઉ અહેવાલ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ નેતા વિનય વાર્ષળયે ઝિયાઉર્રહમાન પર ભ્રામક ખબરો ફેલાવવાનો અને તેની સામે પગલાં લેવા માગણી કરી છે. જેને વ્યવસ્થા દર્પણના તંત્રી ઝિયાઉર્રહમાને પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો છે અને આને ભાજપ સરકારની તાનાશાહી ઠરાવી છે. તંત્રીએ કહ્યું કે કાસગંજ હિંસામાં જે સત્ય હતું એ જ ન્યૂઝ પોર્ટલ પર બતાવવામાં આવ્યું છે. એક અહેવાલમાં ખામી હતી તેને તરત સુધારી લેવામાં આવી હતી. ભાજપ નેતા કાવતરા હેઠળ આરોપ લગાવી રહ્યા હોવાનું ઝિયાઉર્રહમાને જણાવ્યું હતું. કેસને તાનાશાહી ગણાવતા વ્યવસ્થા દર્પણે કહ્યું કે આ અવાજ દબાવવાનો પ્રયાસ છે. ઝિયાઉર્રહમાને કહ્યું કે કાસગંજ હિંસામાં જે સાચું હતું એ જ એમણે લખ્યું, વાજપેયી સત્યથી ગભરાય છે. પોલીસ તપાસમાં બધુ સ્પષ્ટ થઈ જશે. એમણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવાનો ઉલ્લેખ કર્યો છે.