(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
વરિષ્ઠ પત્રકાર અભિસાર શર્માએ યુપીના કાસગંજમાં થયેલી કોમી હિંસા અંગે હિન્દી ચેનલ આજતક દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠાણાઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે. અભિસાર શર્માએ આજતકના પત્રકારો દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠાણાઓનો પર્દાફાશ કરતાં કહ્યું કે આજતક અને તેના પત્રકારો કાસગંજ હિંસા અંગે કથિત રીતે ભ્રામક અને જુઠી ખબરો આપી રહ્યાં છે. ૨૬ મી જાન્યુઆરીની સવારે કાસગંજમાં બે બાઈક સવાર વંદે માતરમ અને ભારત માતાની જય નારા લગાવતાં હાથમાં તિરંગો લઈને ભ્રમણ કરી રહ્યાં હતા. આ સરઘસ બીજા વિસ્તારમાં પહોંચ્યું તો કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો જેને કારણે હિંસા ફેલાઈ હતી. ગોળીબારમાં બે યુવાનો ચંદન અને નૌશાદ ઘાયલ થયાં હતા. ઘાયલ ચંદનનું સરકારી હોસ્પિટલમાં મોત થયું જે પછી હિંસા ભડકી ઉઠી હતી. કાસગંજ હિંસાના અનુસંધાનમાં શર્મા રવિવારે ફેસબુક લાઈવ પર પોતાનું નામ લીધા વગર આજતક ચેનલના પત્રકારો પર જોરદાર વરસ્યાં હતા અને તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે આજતકના પત્રકારો પર આક્ષેપ કર્યો કે આજતક અને તેના પત્રકારો કાસગંજ હિંસા અંગે કથિત રીતે ખોટી અને ગેરમાર્ગે દોરનારી ખબરો દર્શાવી રહ્યાં છે. અભિસારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ બન્યો હતો. સોશિયલ મીડિયા પર અભિસારને ઘણું સમર્થન પ્રાપ્ત થયું. ઘણા વરિષ્ઠ પત્રકારો, સુપ્રીમ કોર્ટના વકીલ અને સામાજિક કાર્યકરોએ અભિસારના આ વીડિયોને શેર કરતાં કાસગંજ હિંસાની હકીકત દેખાડનાર અભિસારની પ્રશંસા કરી. સાથે નારાજ લોકોએ આજતક સહિત ઈન્ડીયા ટુડે ગ્રુપનો બહિષ્કાર કરવાની અપીલ કરી. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે હિન્દુ સંગઠનના ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગા યાત્રા કાઢી રહ્યાં હતા ત્યારે મુસલમાનોએ તેમનો રસ્તો રોક્યો હતો. જે પછી હિન્દુ યુવાનોએ વંદે-માતરમની નારેબાજી કરીને મુસલમાનોએ પાકિસ્તાન જિંદાબાદની નારેબાજ કરી. જોકે આજતક સહિત તમામ ચેનલોનો આ દાવો કોઈ પણ જાતના આધાર પુરાવા વગર રજૂ કરવામાં આવ્યો હતો.