લખનૌ, તા. ૧૪
ઉત્તરપ્રદેશના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ઓ.પી. સિંઘે કહ્યું છે કે કાસગંજમાં જાન્યુઆરીમાં થયેલ હિંસા ફક્ત ‘જૂથ સંઘર્ષ’ હતો જેને સખ્તીથી ડામી દેવામાં આવ્યું હતું. હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું અને અમુક વ્યક્તિઓને ઈજા થઈ હતી. સિંઘે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ઉત્તરપ્રદેશમાં કોમી રમખાણો થયા નથી. થોડા જિલ્લાઓમાં જૂથો વચ્ચે સંઘર્ષ થવાથી તંગદિલી પ્રવર્તી હતી. પણ એકંદરે ઉત્તરપ્રદેશ છેલ્લા એક વર્ષથી રમખાણમુક્ત રાજ્ય રહ્યું છે. જૂથ અથડામણના કારણે કાસગંજમાં તંગદિલી ઊભી થઈ હતી જેને કાબૂમાં લેવાઈ હતી. એને ફેલાવવાથી રોકવામાં આવી હતી. તિરંગા યાત્રા બાબત એમણે કહ્યું કે સ્થાનિક વહીવટ વિભાગને સાબદુ કરાયું છે અને કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી આપવામાં નહીં આવે. ર૬મી જાન્યુઆરીએ કાસગંજમાં ગણતંત્ર દિવસની ઉજવણી બાબત વિવાદો થતા કોમી હિંસા ફાટી નીકળી હતી. જેના પરિણામે ૧ વ્યક્તિ ચંદન ગુપ્તાનું મૃત્યુ થયું હતું. પોલીસે આ સંદર્ભે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કાસગંજમાં એ પછી પણ તોફાનો ચાલુ રહ્યા હતા. મોટાભાગે હિન્દુઓના ટોળાઓએ સમગ્ર શહેરમાં મુસ્લિમો ઉપર હુમલાઓ કર્યા હતા. એમના ઘરો અને દુકાનો સળગાવ્યા હતા. એક સ્વતંત્ર સત્ય શોધક ટીમે દાવો કર્યો હતો કે તોફાનો પૂર્વ નિયોજીત કાવતરાનો ભાગ હતા. હિંસાઓ આચરી કોમી એખલાસ બગાડવાના પ્રયાસો કરાયા હતા.