(એજન્સી) કાસગંજ, તા.૭
કાસગંજ હિંસામાં મોતને ભેટેલા ચંદન ગુપ્તાના પરિવારજનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને ચંદનને શહીદનો દરજ્જો આપવાની માગણી કરી હતી. તેમણે શાંતિ અને એખલાસનું વાતાવરણ સર્જવા તાત્કાલિક ત્રિરંગા યાત્રાઓ બંધ કરવા માગણી કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની એક મુલાકાતમાં ચંદનની બહેને કહ્યું છે કે, ત્રિરંગા યાત્રા હિંસાનું રૂપ લેતી હોય અને મારા ભાઈની માફક લોકો મરવા લાગે તો ત્રિરંગા યાત્રા બંધ કરવી જોઈએ. મુખ્યમંત્રીએ તેમને સાંભળ્યા હતા પરંતુ કોઈ જવાબ આપ્યો નહીં. માગણીઓ લેખિત આપી છતાં કોઈ ખાત્રી અપાઈ નહીં. રાજ્ય સરકાર આ મુદ્દે સહાનુભૂતિપૂર્વક વિચારશે તેવી અપેક્ષા છે. પરિવારે કહ્યું કે ભાઈના મૃત્યુ માટે જવાબદાર તમામને ન્યાયના કઠેરામાં ઊભા કરવા યોગીજી પોલીસને સીધી સલાહ આપે. ગુપ્તાના મોત માટે જવાબદાર કોઈને પણ નહીં છોડાય તેવી ખાત્રી અપાઈ હતી.