(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ઉ.પ્ર.ના કાસગંજમાં થયેલ કોમી હિંસાની તપાસ માટે સત્ય શોધક ટીમે રજી ફેબ્રુઆરીએ મુલાકાત લીધી હતી. એમણે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, હિન્દુઓની મિલકતો અથવા મંદિરને કોઈપણ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી જ્યારે બે મસ્જિદોને સંપૂર્ણપણે બાળવામાં આવી હતી. ફકત મુસ્લિમોની મિલકતોને જ નુકસાન થયું હતું. એમની ર૭ દુકાનો લૂંટીને બાળવામાં આવી હતી. પોલીસે આ અંગે એફઆઈઆર પણ નોંધી નથી. જો કે, પોલીસે પોતાના અહેવાલોમાં મસ્જિદોને બાળવાની ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો. જે એક ગંભીર ગુનો છે. ખરી રીતે મુસ્લિમ વિસ્તારમાં આવેલ ચાંમુડાં મંદિરનું રક્ષણ ત્યાંના સ્થાનિક મુસ્લિમ નિવાસીઓએ જ કર્યું હતું. ટીમે રમખાણો દરમિયાન પોલીસે ભજવેલ ભૂમિકા બદલ પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. એમણે જણાવ્યું છે કે, એફઆઈઆરમાં કોઈપણ હિન્દુને આરોપી તરીકે દર્શાવાયો નથી અને જેમની ધરપકડ કરાઈ છે એ મુસ્લિમોની સંખ્યા હિન્દુઓ કરતાં બમણી છે. તોફાનો સંદર્ભે ૧૬ મુસ્લિમોની ધરપકડ કરાઈ છે. હિંસા પછી જે પહેલી એફઆઈઆર નોંધાઈ હતી એ એફઆઈઆર ન.પ૯/ર૦૧૮ છે. આમાં ચાર મુસ્લિમોના નામો જણાવ્યા છે જેમાં નસીરૂદ્દીન, અકરમ, એ.ખાન અને તૌફીક છે. પણ એક પણ હિન્દુનું નામ નથી. જો કે, અહેવાલોમાં જણાવ્યું હતું કે રમખાણોમાં હિન્દુઓ-મુસ્લિમો બન્નેની સંડોવણી હતી. આ ટીમમાં નિવૃત્ત આઈપીએસ અધિકારી એસ.આર.દારાપુરી, પત્રકાર અમિત સેનગુપ્તા, હસનુલ બન્ના, અલીમુલ્લા, ચળવળકારી રાખી સહેગલ, બનોજ્યોત્સના લાહીરી, ખાલિદ સૈફી, મોહિત પાંડે અને અન્ય હતા જેમણે કાસગંજની મુલાકાત લીધી હતી. ત્યાંના બન્ને કોમના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. એમણે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે, વહીવટી વિભાગ પૂર્વગ્રહ ધરાવે છે અને કટ્ટરવાદી તત્ત્વોએ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે યુદ્ધ થાય એવા પ્રયાસો કર્યા હતા પણ નોંધનીય બાબત એ છે કે, બન્ને કોમોની વ્યક્તિઓને એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણીઓ છે અને થયેલ નુકસાન બદલ એકબીજાને સાંત્વના આપી રહ્યા છે. જો કે હિન્દુ પાડોશીઓ જાહેરમાં આવી ગુનેગારોને ઓળખી બતાવતા નથી કારણ કે એમને પણ પોતાના જીવનો ભય જણાય છે. ચળવળકારીઓએ આ હિંસા બાબતે રાજકીય પક્ષોના મૌન સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે. કોઈપણ પક્ષનો નેતા મુસ્લિમ કોમ અથવા હિન્દુ દુકાનદારો સાથે મળવા આવ્યો નથી. રાજકીય પક્ષો એ માટે આગળ નથી આવતા કાનરણ કે એમને ભય છે કે જો એ કંઈક કહેશે તો એમની ઉપર લઘુમતીઓને રિઝવવાના આક્ષેપો લાગશે.