હિંસા બદલ ૪૯ની ધરપકડ શહેરમાં કલમ ૧૪૪ લગાવાઈ
(એજન્સી) કાસગંજ, તા.ર૭
યુપીના કાસગંજમાં બબાલ પછી સંચારબંધી લાગુ કરી દેવાઈ છે. તેમ છતાં સ્થાનિક ભાજપના સાંસદ રાજવીરસિંહે ખુલ્લેઆમ બદલો લેવાની જાહેરાત કરી છે.
કાસગંજ ખાતે કમિશનર સુભાષચંદ્ર અને આઈજી સુનીલકુમાર પડાવ નાંખી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રા કઢાઈ હતી.
કાસગંજના કલેક્ટર આર.પી.સિંહના જણાવ્યા અનુસાર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મસ્જિદ અને ઘરોમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યા બાદ મુસ્લિમ યુવકો સાથે ઝડપ થઈ હતી. જેમાં થયેલા ગોળીબારમાં એક હિન્દુ યુવકનું મેાત થયું હતું. આ ઘટના આગ્રા હાઈવેને અડીને આવેલ બિન્દુનગર મહોલ્લામાં થઈ જ્યાં કસાઈ માર્કેટમાં હિંસા થઈ. તિરંગા યાત્રા લઈ નિકળેલા હિન્દુ યુવકોએ મુસ્લિમ વિસ્તારોમાં જઈ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી સ્થિતિને વણસાવી હતી.
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર હિન્દુ યુવકોએ “મુંહમે ગીલૌરી બગલ મે પાન મુલ્લો તુમ જાઓ પાકિસ્તાન, જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે તિરંગા યાત્રામાં ભગવા ઝંડા વધારે જોવા મળતા હતા. ટોળાએ મસ્જિદમાં ઘૂસવાની કોશિશ કરી હતી. તેથી બંને પક્ષો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. મસ્જિદમાં આગ લગાડવાની કોશિશ પણ કરાઈ હતી. સંઘર્ષમાં કેટલાક લોકો ગંભીર ઘાયલ થયા હતા. એક ખબર મુજબ નિર્દોષ મુસાફરની ગોળીમારી હત્યા કરાઈ છે. તેની હજુ પ્રશાસને પૃષ્ટિ કરી નથી. યુપીમાં પાછલા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાની પરંપરા શરૂ થઈ છે. જેમાં તિરંગાના સ્થાને ભગવો ઝંડો જોવા મળે છે. ઘટના બાદ લઘુમતી સમુદાય ભયભીત છે.
સ્થાનિક રહેવાસી રઈસ અહેમદે કહ્યું કે બબાલ કસાઈ માર્કેટમાં થઈ. પરંતુ ભય સમગ્ર વિસ્તારમાં છે. મુસ્લિમો પોતે ઘરમાં કેદ છે અને ભયભીત છે. તેમનો આરોપ છે કે પોલીસ એકતરફી કાર્યવાહી કરે છે. મુસ્લિમ વિસ્તારોમાં સર્ચ અભિયાન ચાલે છે. વધુ પડતાં મુસ્લિમોને પકડ્યા છે. હિંસા યોજનાબદ્ધ રીતે કરાઈ હોવાનું લોકોનુંં માનવું છે. પરંતુ ડીજીએ ઈન્કાર કર્યો છે. કાસગંજમાં કોતવાલી ક્ષેત્રમાં ચામૂંડા દેવી મંદિર પર ગેટ લગાવવા બાબતે તણાવ હતો. મુસ્લિમોના એકજૂથે ગેટ લગાવવાનો વિરોધ કર્યો હતો. તંત્રએ ગેટ લગાવવા પર રોક લગાવતાં તંગદિલી વધી હતી.
સપાના ધારાસભ્ય સુનિલ યાદવે કહ્યું કે આ ઘટનાને કાવત્રુ કહી શકાય. હિન્દુ સંગઠનો હિંસાને તિરંગાથી જોડે છે તે ગંભીર વિષય છે.
યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને દિલસોજી પાઠવી દોષિતો સામે કાર્યવાહીની વાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના પુત્ર રાજવીરસિંહ કાસગંજના સાંસદ છે. તેમણે જાહેરાત કરી છે કે હિન્દુઓ ચૂપ નહીં બેસે સાથે જ કાસગંજ આસપાસના જિલ્લાઓમાંથી હિન્દુ સંગઠનોએ કાસગંજ પહોંચવાની જાહેરાત કરી છે. કલેક્ટર સિંહે કહ્યું કે બહારના કોઈપણ વ્યક્તિને ઘૂસવા નહીં દેવાય. ડીજીપી અજય આનંદે સ્થિતિને નિયંત્રણમાં બતાવી ચાંપતી નજર રખાઈ છે તેમ જણાવ્યું હતું.