અમદાવાદ,તા.૧ર
વિશ્વભરમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની મહામારીને લઈ ભારતની અનેક પ્રાચીન દરગાહો ભારત સરકારની ગાઈડ લાઈનને લઈ માર્ચ ર૦ર૦થી બંધ છે. જો કે સરકારે છુટછાટો જાહેર કરતા ધંધા-ઉદ્યોગો સાથે ધાર્મિક સ્થળોને પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે ખોલવાની મંજૂરી આપી છે. જેમાં આજરોજ લાખો લોકોની આસ્થાનું પ્રતીક એવા આસ્તાના આલિયા મખ્દુમે પાક કિછોછા શરીફના સજજાદાનશીન હઝરત પીર સૈયદ મોઈનુદ્દીન અશરફ (મોઈનમિયાં) સાહેબના હસ્તે આસ્તાનાના મુખ્ય દ્વારના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક દરગાહ હઝરત મખ્દુમ સુલતાન સૈયદ અશરફ જહાંગીર સીમનાનીના નામે પ્રખ્યાત આસ્તાના છે જે સુફી પરંપરામાં માનનારા હજારો લાખો હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ તેમજ દરેક ધર્મના લોકો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી દુનિયાભરની લાઈલાજ બીમારીથી ગ્રસ્ત લોકો આ દરગાહની ઝિયારતે આવે છે. આ વિશેષ પ્રસંગે દરગાહના સજજાદાનશીન હઝરત પીર સૈયદ મોહયુદ્દીન અશરફ સાહેબ, હઝરત પીર સૈયદ કમરૂદ્દીન અશરફ સાહેબ, હઝરત પીર સૈયદ હસીન અશરીફ સાહેબ તેમજ ખાનવાદાએ અશરફીયાના પીરાને નિઝામ તથા ઓલમાએ કિરામ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિખ્યાત ઈસ્લામી વકતા અલ્લામા મૌલાના મુબારક હુસેન મિસ્બાહી સાહેબે જણાવ્યું હતું કે, દુનિયાના તમામ દર્દીઓ માટે આ આસ્તાના શીફાખાનું છે. આ શુભ અવસરે જિલ્લાના પ્રભારી, જિલ્લા કલેકટર, પોલીસવડાએ હાજર રહી અવસરને સફળ બનાવવા સહભાગી બન્યા હતા. અંતમાં દરગાહના સજજાદાનશીન હઝરત પીર સૈયદ મોઈનુદ્દીન અશરફ સાહેબે ભારત દેશની સુફી પરંપરામાં માનનારા લોકો તેમજ આસ્તાનાએ મખ્દુમ અશરફ, આશીકાને ઓલિયા તેમજ ખાસ કરીને કોરોના મહામારીમાં પીડિત લોકો જલદીથી આ બીમારીમાંથી મુકત થાય તેવી દુવા કરી હતી. અંતમાં પીર સૈયદ જામી અશરફ સાહેબ મુતવલી આસ્તાના આલિયા સરકાર સાઈમીરાં હઝરત પીર મિરાં સૈયદ અલી વ વલી (ર.અ.) ખંભાત શરીફએ દુઆ પઢી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.