અનેક ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા દિલ્હીની સરહદો પર બેસીને ભૂખ હડતાળ કરાઇ, દિલ્હીમાં પ્રવેશવાના રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશના માર્ગો
તથા રાષ્ટ્રીય માર્ગો પર ચક્કાજામ કરાયો, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની બોર્ડરો પરથી હજારો ખેડૂતો બેરિકેડ તોડીને રાષ્ટ્રીય પાટનગરમાં પ્રવેશ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
વર્ષ ૨૦૨૦ની શરૂઆત જ વિરોધ પ્રદર્શનથી થઇ હતી જેમાં વિવાદાસ્પદ સીએએના વિરોધમાં આંદોલન શરૂ થયું હતું જ્યારે વર્ષના છેલ્લા પખવાડિયામાં ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ છેલ્લા ૧૮ દિવસથી દિલ્હીના માર્ગો પર ઘેરો ઘાલ્યો છે. ખેડૂતો સરકાર દ્વારા લવાયેલા ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ, ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ તથા એસેન્સલ કોમોડીટીઝ એક્ટનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર બેસી રહેલા હજારો ખેડૂતોએ કૃષિ સુધારા કાયદાઓ અંગે સરકાર સાથે થયેલી મંત્રણાઓ નિષ્ફળ ગયા બાદ આંદોલન જલદ બનાવવાની ચીમકી આપી હતી અને સોમવારે સમગ્ર દેશના ખેડૂતો દ્વારા ભૂખ હડતાળ આદરાઇ હતી જ્યારે દિલ્હી તરફ જતાં માર્ગો અવરોધાયા હતા. સોમવારે ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂતોએ આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગ આપવાની ચીમકી પણ આપી છે જેમાં રાષ્ટ્રીય પાટનગરના અન્ય માર્ગો પર પણ ચક્કાજામ કરાશે. ખેડૂતો અને સરકાર વચ્ચે આ અઠવાડિયે મંત્રણા થાય તેવા અહેવાલો પણ વિરોધ વચ્ચે આવ્યા છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ એક દિવસની ભૂખ હડતાળ પર ઉતરેલા સિંઘુ અને દિલ્હીની અન્ય બોર્ડર પર ખેડૂતોના નેતાઓએ ફરીવાર કહ્યું હતું કે, નવા કાયદાઓ કોર્પોરેટ તાકાતોની લાલચમાં બરબાદ થઇ જશે. તેમણે કહ્યું હતું કે, ત્રણ કાયદાઓ વિરૂદ્ધની લડાઇ જિલ્લા મુખ્યમથકો પર લઇ જવાશે. ખેડૂતોનું આંદોલન વકરતાં દિલ્હીની સરહદો પર દેખાવકારોનો જમાવડો થતો ગયો હતો. ખેડૂતો સાથે એકતા દર્શાવવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઉપવાસ કર્યો હતો. તેમણે પીએમ મોદીને અપીલ કરી હતી કે, તેમનો અહંકાર ત્યજીને ખેડૂતોને મંત્રણા માટે બોલાવે.
૨. દિલ્હી તરફ જતાં વિવિધ માર્ગોઅને હાઇવેને અવરોધાયા હતા. દિલ્હી-જયપુર હાઇવે પર બેઠેલા ખેડૂતોના મોટા જૂથે માર્ગ જામ કર્યા હતા. હરિયાણા-રાજસ્થાન બોર્ડર પરથી દિલ્હીમાં પ્રવેશી રહેલા ખેડૂતોને દિલ્હી પોલીસ દ્વારા અટકાવાયા બાદ આ હાઇવે બ્લોક કરાયો હતો. દિલ્હી-યુપી બોર્ડરના કુંડી પોઇન્ટ પર ખેડૂતોએ બેરિકેડ હટાવી દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો. આંદોલન વકરતાં દિલ્હી પોલીસે સરહદો પર તૈનાતી વધારી દીધી હતી.
૩. આંદોલન કરી રહેલા ખેડૂતોને વિપક્ષોનો સંપૂર્ણ સહકાર મળ્યા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રોપેગંડા ચલાવવાનો વિપક્ષો પર આરોપ મુક્યો હતો. તોમરે કહ્યું કે, કૃષિ કાયદાઓ ટૂંકાગાળા માટે ખેડૂતોને નુકસાનકરી શકે પરંતુ લાંબાગાળેે તેમને વધુ ફાયદો કરશે.
૪. કૃષિ કાયદાઓને સમર્થન આપવા માટે ઉત્તરાખંડથી આવેલા ૧૦૦થી વધુ ખેડૂત પ્રતિનિધિઓને તોમરે સંબોધ્યા હતા. કાયદાઓની મડાગાંઠ ઉકેલવા માટે તોમર અનેક વખત ૪૦થી વધુ ખેડૂત પ્રતિનિધિઓને મળ્યા હતા.
૫. નવા કૃષિ કાયદાઓનો બચાવ કરતાં તોમરે કહ્યું કે, સરકાર જમ્મુ-કાશ્મીરના ખાસ દરડજ્જા આર્ટિકલ ૩૭૦ને હટાવ્યા બાદથી વિરોધનો સામનો કરી રહી છે. સરકારે નાગરિકતા સુધારા કાયદાઓનો પણ વિરોધ ઝીલ્યો અને રામ મંદિર મુદ્દાનો પણ વિરોધનો સામનો કર્યો. કેટલાક લોકો માત્ર વિરોધ કરી રહ્યા છે અને દેશનો નબળો પાડી રહ્યા છે. આ તેમની પ્રકૃતિ છે.
૬. તેમણે આવા કાયદા લાવવા અંગે મનમોહન સરકારના કાર્યકાળને ટાંક્યો હતો. તેમણે કહ્યું મનમોહને ઘણીવાર પ્રયાસ કર્યો પરંતુ કાયદા લાવી ના શક્યા. આજે કાયદા લાગુ કરાય છે તો વિરોદ કરાય છે. ખેડૂત નેતાઓ શેટકારી સંગઠનના શરદ જોશી, પંજાબના ભૂપિન્દર માન, એનસીપીના પ્રમુખ શરદ પવારને આ મુદ્દે મળીને વાત કરી હતી એટલે સુધી કે, કૃષિ સાયન્ટીસ્ટ એમએસ સ્વામીનાથને આ મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોના રાષ્ટ્રીય પંચ અને આયોજન પંચે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ આગળની સરકારો આમ કરવામાં નિષ્ફળ ગઇ છે.
૭. સરકાર દ્વારા તેના કાયદાઓના મજબૂત બચાવ અને ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા છે તથા એમએસપીના આશ્વાસનની પણ અસર થઇ નથી. ખાસ કરીને પંજાબ તથા હરિયાણાના ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે, એકવાર આ કાયદો લાગુ થશે તો એમએસપી સિસ્ટમ ખોરવાઇ જશે. સરકારની આ નીતિ ખેડૂતોને તેમની ઉપજ એમએસપીથી વેચતાં અટકાવશે અને તેમને કોર્પોરેટ્‌સની દયા પર છોડી દેશે.
૮. આ દરમિયાન સરકારે ખેડૂતોને એમએસપી નહીં હટાવવાનું લેખિતમાં આશ્વાસન આપ્યું અને તેની જૂની વ્યવસ્થામાં રહેવા દેવા માટે પ્રસ્તાવ આપ્યો. પરંતુ ખેડૂતોએ તમામ કાયદાઓ રદ કરવાની માગણી યથાવત રાખી હતી.
૯. ખેડૂતોએ જોકે, હવે પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવ્યું છે. મોટાભાગના ખેડૂત સંગઠનો જો સરકાર એમએસપી અંગે આશ્વાસન આપે તો આંદોલન સમેટવા તૈયાર થયા છે. બીજી તરફ મુખ્ય સંગઠનો ત્રણેય કાયદાઓ રદ કરવાની તરફેણમાં છે. જો સરકાર ત્રણેય કાયદાઓ રદ નહીં કરે તો તેઓ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.
૧૦. હજારો ખેડૂતોએ સિંઘુ, ટિકરી, ગાઝીપુર અને ચિલ્લા બોર્ડરો પર ડેરો જમાવ્યો છે. રવિવારે સરકારની મુશ્કેલીઓ ત્યારે વધી ગઇ જ્યારે આરએસએસ સાથે સંકળાયેલું સંગઠન સ્વદેશી જાગરણ મંચ ખેડૂતોના સમર્થનમાં આવ્યું અને એમએસપી અંગે ખેડૂતોની માગ પર ટેકો આપ્યો હતો.