દિલ્હી-ઉત્તરપ્રદેશની ગાઝીપુર બોર્ડરને ખાલી કરવા માટે ઉત્તરપ્રદેશ સરકારે આદેશ આપતાં કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, છાતી પર ગોળી ખાઇશું પરંતુ જગ્યા છોડીશું નહીં, સુપ્રીમ કોર્ટે પણ શાંતિપૂર્ણ પ્રદર્શનને યોગ્ય ઠેરવ્યું છે અને ગાઝીપુર સરહદે કોઇ હિંસા નથી થઇ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે યોગેન્દ્ર યાદવ અને સિરસા સહિતના ૨૦થી વધુ કિસાન નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી, અભિનેતા અને કાર્યકર દીપ સિદ્ધુની ટૂંક સમયમાં જ પૂછપરછ કરાશે, લાલ કિલ્લા પર તોફાન મચાવનારાઓને ઓળખવા સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
છેલ્લા બે મહિના ઉપરાંતથી દિલ્હી-યુપીની ગાઝીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા કિસાનોને મંગળવારે ગણતંત્ર દિવસની હિંસા બાદ ઉત્તરપ્રદેશ વહીવટીતંત્ર દ્વારા બોર્ડર ખાલી કરવા અને માર્ગો ખોલવાનો આદેશ અપાયો છે. ગાઝિયાબાદ વહીવટીતંત્ર દ્વારા કિસાનોને ગુરૂવારની રાતે જ જગ્યા છોડવાનો આદેશ અપાયો છે. જોકે, કિસાનોએ આ જગ્યા છોડવાનો ઇન્કાર કર્યો હતો અને કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, તેઓ છાતી પર ગોળી ખાશે પરંતુ સ્થાન છોડશે નહીં. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, શાંતિપૂર્ણ ધરણાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યા છે. ગાઝીપુર બોર્ડર પર કોઇ હિંસા નથી થઇ. તેમ છતાં સરકાર દબાણપૂર્વકના પગલાં ભરી રહી છે. આ ઉત્તરપ્રદેશનો ચહેરો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીના દિવસે થયેલી હિંસા અને તોડફોડ બાદ ગાઝીપુર બોર્ડરને ફરી સીલ કરી દેવાઇ છે. હિંસા બાદથી જ ઉત્તરપ્રદેશ પોલીસે કિસાન નેતાઓ સામે આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી હતી. ખેડૂતોની મંગળવારની ટ્રેકટર પરેડ દરમિયાન અચાનક ફાટી નીકળેલી હિંસક ઘટનાઓમાં દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે જેમાં ખાસ કરીને મુઘલ યુગના લાલ કિલ્લા પર સિખ ધાર્મિક ઝંડો લગાવવાની ઘટના મુખ્ય છે. પરેડ દરમિયાન કિસાનોના ટ્રેકટર અચાનક લાલ કિલ્લા તરફ વળ્યા હતા અને ત્યાં ઝંડો લગાવવાની ઘટના બની હતી. આ ઝંડો કોણે લગાવ્યો છે અને તેની પાછળ કોણ છે તેની તપાસ કરવા માટે દિલ્હી પોલીસનું સ્પેશિયલ સેલ અથવા આતંકવાદી વિરોધી એકમે સીસીટીવી ફૂટેજ ખંગોળવાનું શરૂ કર્યું છે. ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન અચાનક ભડકેલી હિંસા બદલ કિસાનો દ્વારા જવાબદાર ગણાવાયેલા અભિનેતા અને કાર્યકર દીપ સિદ્ધુનું નામ દિલ્હી પોલીસની ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું છે. મંગળવારથી પોલીસ દ્વારા અત્યારસુધી કિસાન નેતાઓ સહિતના નામો સાથે કુલ ૨૫ ફરિયાો દાખલ કરી છે. આ તમામ કેસો સ્પેશિયલ તપાસ ટીમો જોશે. આ અંગે પોલીસે ફરિયાદમાં દાખલ કિસાન નેતાઓ સહિત કેટલાક વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જારીકરી છે. દેખાવકારોમાંથી કેટલાકના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ગૃહમંત્રી અમિત શાહે હિંસામાં ઘાયલ થયેલા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરવા માટે શુશ્રૃત ટ્રોમા સેન્ટર અને તિરથ રામ એમ બે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી.
૨. પોલીસની સ્પેશિયલ ટીમ દીપ સિદ્ધુ અને ફરિયાદમાં સામેલ લાખા સિધાનાની શોધખોળ કરી રહી છે. પોલીસે કહ્યું કે, સિદ્ધુને ટૂંકમાં જ પૂછપરછ માટે બોલાવાશે.
૩. બીજી તરફ દીપ સિદ્ધુએ ફેસબૂક પર એક વીડિયોમાં કહ્યું છે કે, ‘જો હું ગદ્દાર છું તો તમામ ખેડૂત નેતાઓ ગદ્દાર છે. જો તમે દાવો કરતા હોવ કે લાખો લોકોની ઉશ્કેરણી મેં કરી છે તો નેતાઓએ કેમ નહીં ? લાલ કિલ્લા પર નિશાન સાહિબનો ઝંડો શું આરએસએસ-ભાજપના વ્યક્તિઓ મુક્યો હોત તો? તમે લાખો કિસાનોને ગદ્દાર કહી રહ્યા છો. તેમણે ખેડૂત નેતાઓને ગુલાંટ મારવાનો આરોપ પણ લગાવ્યો હતો.
૪. આ મહિનાની શરૂઆતમાં જ પોલીસે અમેરિકા ખાતેના સિખ સંગઠન પર પ્રતિબંધ મુક્યો હોવાની વાત હાલ સામે આવી છે જેનું નામ સિખ ફોર જસ્ટિસ છે. તેની સામે યુએપીએ તથા દેશદ્રોહ અંતર્ગત અનેક કાયદાઓમાં ગુનો દાખલ કરાયો છે.પોલીસે કહ્યું કે, કિસાન આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનું આ સંગઠને આહવાન કર્યું હતું. સિખ સંગઠને ઝંડો ફરકાવનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
૫. દિલ્હી પોલીસે સંયુક્ત કિસાન મોરચાના નેતા ખેડૂત નેતા દર્શન પાલને પણ નોટિસ જારી કરીને પૂછ્યું છે કે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી શા માટે ના થાય. આ નોટિસ પોલીસ સાથે થયેલી સંધિના ભંગ બદલ અપાઇ છે.
૬. સરકારે બુધવારે પાટનગરમાં હિંસાને વખોડી હતી.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, જે લોકોએ ઉશ્કેરણી કરી છે તે તમામ સામે પગલાં લેવા જોઇએ. લાલ કિલ્લા પર તિરંગાના અપમાનને ભારત સાંખી લેશે નહીં. તેમણે આંદોલનને ઉશ્કેરવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
૭. આ ઘટનાઓમાં એક ખેડૂતના મોતને પોલીસે અકસ્માત ગણાવ્યો હતો. પોલીસ અધિકારી અવિનાશ ચંદ્રાએ કહ્યું હતું કે, ઓટોપ્સી રિપોર્ટ અનુસાર તેને ગોળી મરાઇ ન હતી તેના પરિવારે પણ દાવો કર્યો છે. તેનું ટ્રેકટર ઉંધું વળી ગયું હતું તેના સીસીટીવી ફૂટેજ છે.
૮. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, ૧૬ વિપક્ષી પાર્ટીઓએ હિંસામાં કેન્દ્રની ભૂમિકાની તપાસની માગ કરી છે. સંસદમાં કૃષિ બિલોને રોકવાના પ્રયાસ કરનારી વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ બિલો પર હસ્તાક્ષર નહીં કરવા પણ અનુરોધ કર્યો હતો. બિલો રાજ્યસભામાં ગેરબંધારણીય રીતે પસાર થયા હોવાનો દાવો કરાયો હતો.
૯. દિલ્હી પોલીસે દરમિયાન કહ્યું હતું કે, આ હિંસક ઘટનાઓમાં ૧૯ લોકોની ધરપકડ થઇ છે જ્યારે ૩૯૪ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ૫૦ લોકોની અટકાયત કરી પૂછપરછ કરાઇ રહી છે.
૧૦. કિસાનોને ભય છે કે, એમએસપી સમાપ્ત થવાથી તેમના લઘુતમ ટેકાના ભાવ સમાપ્ત થઇ જશે અને તેમને ઉદ્યોગપતિઓના આશરે રહેવું પડશે. કિસાનો અને સરકાર વચ્ચે ૧૧ રાઉન્ડની મંત્રણા થઇ પરંતુ કોઇ નિષ્કર્ષ આવ્યો નથી.
Recent Comments