કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કિસાનો સાથે કેન્દ્રની સ્વસ્થ મંત્રણા ચાલી રહી હોવાથી હાલ તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર નથી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદાઓ મુદ્દે દિલ્હીની વિવિધ સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન મુદ્દે ભારે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે ઉકેલનો કોઇ માર્ગ નહીં શોધવા અંગે ભારે નિરાશા દર્શાવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેની આગેવાનીવાળી ત્રણ સભ્યોની બેંચમાં જસ્ટિસ એસએ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને કહ્યું હતું કે, ‘સ્થિતિમાં ખરેખર કોઇ સુધારો નથી થયો.’ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, મુદ્દાઓ ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરી રહી છે અને તેથી ખેડૂતો અને સરકાર વચ્ચે સ્વસ્થ ચર્ચા ચાલી રહી હોવાથી આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવાનું યોગ્ય ગણાશે નહીં. ઓટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલી રહેલા ચર્ચાઓ ઉકેલ નજીક આવવાનું કેન્દ્ર સરકાર જણાવે છે. બેંચે અટોર્ની જનરલ અને સોલિસિટર જનરલના જવાબો સાથે સંમતિ દર્શાવતા કહ્યું હતું કે, જો સોમવારે ૧૧ તારીખે પણ એવું જ કહેવાશે કે વાતચીત ચાલી રહી છે તો પછી સુનાવણી હાથ ધરવામાં આવશે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, અમે સ્થિતિની સમજીએ છીએ. અમે મંત્રણાને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. જો તમે આમ કહો છો તો અમે સોમવાર સુધી સુનાવણી મુલતવી રાકી શકીએ છીએ.
સુપ્રીમ કોર્ટનુ અવલોકન એવા સમયે સામે આવ્યું છે જ્યારે એમએલ શર્મા નામના એક વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કૃષિને સુસંગત યાદીમાં મુકવા માટેના બંધારણના ૧૯૫૪ના સુધારાને પડકાર્યો હતો જેણે કેન્દ્ર સરકારને કૃષિ અંગેના કાયદા બનાવવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે શર્માની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનું આંદોલન છેલ્લા ૪૦ દિવસ ઉપરાંતથી ચાલી રહ્યું છે. ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ૪ જાન્યુઆરીએ યોજાયેલી સાતમા તબક્કાની મંત્રણા પણ કોઇ ઉકેલ વિના જ સમાપ્ત થઇ ગઇ હતી જ્યારે સરકાર તબક્કાવાર જણાવી રહી છે કે, તે કોઇપણ સ્થિતિમાં કાયદાઓ પરત નહીં ખેંચે જ્યારે કિસાનોની મુખ્ય માગ કાયદાઓ પરત ખેંચવાની જ છે. સરકાર અન કિસાનો વચ્ચે હવે આઠમા તબક્કાની મંત્રણા ૮મી જાન્યુઆરીએ થશે. ખેડૂત પ્રતિનિધિઓએ સરકારના કાયદાઓમાં સુધારાનો પ્રસ્તાવ એમ કહીને ફગાવી દીધો હતો કે, તેઓ કાયદાઓ રદ કરવા જ માગે છે. ગયા મહિને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, એક સ્પેશિયલકમિટીની રચના કરવામાં આવે જેમાં ભારપૂર્વક કહેવાયું હતું કે, કેન્દ્ર સરકારની મંત્રણાઓ નિષ્ફળ જઇ રહી છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેએ તે સમયે જણાવ્યું હતું કે, કિસાનો સંમત ન થયા હોવાથી કેન્દ્રની મંત્રણા ફરીવાર નિષ્ફળ ગઇ છે.