જંબુસર, તા.૧૫
જંબુસર તાલુકામાં સીસીઆઇ સેન્ટરો તાત્કાલિક અસરથી શરૂ કરી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવા તથા સિંચાઇ માટે નહેરનું પાણી સમયસર મેળવવા બાબત મામલતદાર જંબુસરને આવેદનપત્ર કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં રૂનું જે ઉત્પાદન થાય છે, તેને ચોથાભાગનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. ખરીફ સિઝનમાં સૌથી વધુ કપાસનું વાવેતર ગુજરાતમાંથી થયું છે. ગુજરાતમાં કુલ ૮૬.૪૯ લાખ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે અને ભરૂચ જિલ્લો કપાસનું વાવેતર કરતા જિલ્લો છે. આદર જંબુસર તાલુકા કિશાન કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ દિલીપભાઇ પટેલની અધ્યક્ષતામાં ઇન્ચાર્જ મામલતદાર જંબુસર કમલેશભાઇ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો પાસેથી સસ્તા ભાવે કપાસ ખરીદી વેપારીઓ દ્વારા સીસીઆઇ સેન્ટરમાં ઠાલવવામાં આવશે અને ખેડૂતો સરકારની નીતિનો ભોગ બનશે અને વચેટિયા ફાયદો મેળવશે વહેલી તકે સીસીઆઇ સેન્ટરો શરૂ કરવામાં આવે તથા નહેરોમાં સમયસર પાણી આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા થાય તો પણ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય તેમ આવેદનપત્રમાં જણાવાયું હતું. આવેદનપત્ર આપવા ધારાસભ્ય સંજયભાઇ સોલંકી સહિતના અગ્રણી, ખેડૂતો હાજર રહ્યા હતા