સુરત,તા.૨૪
મહેસાણા પોલીસે કીમ તડકેશ્વરના મીલ માલિકનું અપહરણ કરી તેની પાસેથી રૂપિયા પાંચ કરોડ લૂંટી લેવા માટે ઘાતક હથિયારો સાથે સુરત આવતી અમરસિંહ ઠાકોર ગેંગને ઝડપી પાડી તેમનો લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. ગેંગની પ્રાથમિક પૂછપરછમાં મીલ માલિકની રેકી કરી ટીપ સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા રીઢા ગુનેગાર અજય બંગાળીએ આપી હોવાનું બહાર આવતા સુરતની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અજયને પાંડેસરા સિદ્ધાર્થનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ મહેસાણા તાલુકા પોલીસે સોમવારે ઘાતક હથિયારો સાથે રીઢા ગુનેગાર અમરસિંહ હેમાજી ઠાકોરને ગેંગ સાથે ઝડપી પાડ્યો હતો. અમરસિંહની પૂછપરછમાં તેઓ સુરતની કીમ તડકેશ્વર રોડ ખાતે નીટ કાપડ મીલના માલિકનું અપહરણ કરી તેની પાસેથી રૂપિયા પાંચ કરોડની લૂંટ કરવા માટે જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવી હાથ ધરેલી પૂછપરછમાં લૂંટની ટીપ સુરતના અજય દત્તે આપી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના નાયક પોલીસ કમિશનર રાહુલ પટેલની સુચનાથી પીઆઈ ઝેડ. એન.ધાસુરા અને કે.એ.ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.એ.સિન્ધા અને કે.એ.સાવલીયા સ્ટાફના માણસો સાથે આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન પીઆઈ ઝેડ.એન.ધાસુરાને મળેલી બાતમીના આધારે લૂંટની ટીપ આપનાર અજય ઉર્ફે અજય બંગાલી સદાનંદ દત્ત (ઉ.વ. ૪૧. રહે, લક્ષ્મી કોમ્પ્લેક્ષ પીપોદરા)ને પાંડેસરા સિદ્ધાર્થનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં અજય બંગાલીએ છ મહિના પહેલા મહેસાણા જેલમાં ગાંજાના કેસમાં હતો તે વખતે અમરસિંહ ઠાકોર સાથે મુલાકાત થઈ હતી અને સાથે મળીને લૂંટ-ધાટડનું મોટુ કામ કરવાનું નક્કી કયું હતું અને ચાર પાંચ દિવસ પહેલા અમરસિંહ તેના બે માણસો સાથે કીમ પીપોદરા મળવા આવ્યા હતા અને કીમ તડકેશ્વર ખાતે આવેલ નેટ કાપડ મીલના શેઠ સ્વીફ્ટ કારમાં અવર જવર કરતો હોય અને નહેર પાસે અવાવરૂ જગ્યાએ તેનું અપહરણ કરી મોટી રકમ પડાવવાનું નક્કી કયું હતું. ત્યારબાદ અજય બંગાલીએ કીમ તડકેશ્વર તરફના રસ્તા ઉપર વોચ ગોઠવી રેકી કરી હતી જેમાં મીલ માલિક તેના ડ્રાઈવર સાથે ઘરે જતો હોવાની ટીપ અમરસિંહને આપી હતી. જોકે નક્કી કરેલા દિવસે મીલ માલિકનું લૂંટવા માટે અમરસિંહ માણસો સાથે સુરત આવતા પહેલા જ મહેસાણા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.

અજયને બળાત્કારના કેસમાં દસ વર્ષની સજા થઈ હતી

કીમના મીલ માલિકને લૂંટી લેવાની ટીલ મહેસાણાના અમરસિંહ ઠાકોર ગેંગને ટીપ આપનાર અજય ઉર્ફે અજય બંગાળીનો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અજય સન ૨૦૦૩માં ઉમરગામ પોલીસ ખાતે મારામારીના કેસમાં પકડાયો હતો અને નવસારી જેલમાં ત્રણ વર્ષ સુધી સજા કાપી હતી. ત્યારબાદ ૨૦૦૬માં બળાત્કારના કેસમાં પકડાયો હતો જેમાં દસ વર્ષની સજા થઈ હતી અને ૨૦૧૪માં છૂટ્યો હતો. નવ મહિના પહેલા મહેસાણાના વીસનગર પોલીસમાં ગાંજા સાથે પકડાયો હતો.