રાજસ્થાનના કુશલગઢના શ્રમિકો આરસીસી ડ્રેનેજ પર મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે ડમ્પરે ચગદી નાખ્યા
શેરડી ભરેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર સુતેલા શ્રમિકોને કચડી નાંખ્યા : પાંચ દુકાનોના શેડ પણ તોડી નાખ્યા, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે બે-બે લાની સહાય જાહેર કરી
બાળકીઓ પોતાના માતા-પિતા સાથે એ જ જગ્યા પર સૂતી હતી જ્યાં ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાંથી બંને બાળકીઓ સહી સલામત જીવિત બચી ગઈ છે, જીવ તો બચી ગયો પરંતુ બંને નાની બાળકીઓ માથા પરથી માતા-પિતાનો છાંયો ગુમાવી ચૂકી છે. મોટી બહેન પોતે મા હોય એમ જ તેની નાની બહેનને ખોળામાં સુવડાવી દૂધ પીવડાવી રહી હતી.
અકસ્માત મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી ટ્વીટ કર્યું
અશોક ગેહલોતે સુરતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. જેમાં બાસવાડાના મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
સુરત જિલ્લાના કીમ માંડવી રોડ પાલોદ ગામ નજીક મધરાત્રે બનેલી ઘટનામાં રાજ્ય સરકારે પણ સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને રૂપિયા ૨-૨ લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
મોડીરાત્રે કીમ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ઓછામાં ઓછા ૧૫ મજૂરોનાં મોત નિપજ્યા હતા. અચાનક જ સર્જાયેલા અકસ્માતથી મજૂરોની ચિચિયારીઓએ સમગ્ર વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૂળ રાજસ્થાનના બાસવાડાના કુશલગઢના શ્રમિકો પરિવાર સાથે છેલ્લા પાંચેક વર્ષથી કીમથી માંડવી તરફ જતા પાલોદ ગામ નજીક રસ્તાના કિનારે ફુટપાથ પર રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગઈકાલે રાત્રે શ્રમિકો જમીને ઊંઘી ગયા હતા તે વખતે પોણા બારેક વાગ્યાના અરસામાં કીમથી માંડવી તરફ જ જઇ રહેલા અને કાળમુખી બની આવેલા જીજે-ઍક્સ- ૦૯૦૧ નંબરના ડમ્પર ચાલકે શેરડી ભરેલા ટ્રેકટરને ઓવરટેક કરવાની લ્હાયમાં ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના ફુટપાથ પર ચઢી જતાં સૂતેલા ૨૦ શ્રમિકોને કચડી નાંખ્યા હતા. ભર નિંદર માણી રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં ૧૫નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે ૮ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતાં ડીવાયએસપી સી.એન. જાડેજા, બારડોલી રૂપલ સોલંકી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. તેમજ તાત્કાલિક ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ ડમ્પરચાલક અને ક્લિનરને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલકનું નામ મુન્નાલાલ રામલખન કેવટ હોવાનું બહાર આવ્યું છે અને તેણે ચિક્કાર પીધો હતો, પોલીસે મુન્નાલાલ સામે ગુનો દાખલ કરી હોસ્પિટલમાં રજા આપ્યા બાદ તેની ધરપકડ કરશે તેમ જણાવ્યું હતું. વધુમાં ડમ્પર ચાલકે ફૂટપાથ કૂદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું. જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા.
માતા-પિતાનું મોત, છ મહિનાની બાળકીનો આબાદ બચાવ
સોમવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં ૬ મહિનાની બાળકી માતા-પિતા સાથે મીઠી નિંદ્રા માણી રહી હતી. ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીના માતા-પિતાને પણ કચડી નાંખતાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમજ તાત્કાલિક બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી.
વડાપ્રધાને મૃતકોના પરિવારજનો માટે બે-બે લાખની સહાય જાહેર કરી
આ બનાવને પગલે વડાપ્રધાન કાર્યાલય તરફથી મોતને ભેટનારાઓને બે લાખ અને સારવાર લઈ રહેલાંને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પંદર લાશોને પી.એમ.માટે કોસંબા પ્રાથમિક આરોગ્ય ખાતે લઈ જવામાં આવી હતી. માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડો.આર.પી.શાહીએ પંદર લાશોનું પી.એમ.કરવાનું હોય આસપાસનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોને કોસંબા રવાના કર્યા હતા. આ બનાવની જાણ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા કે જેઓ આજે સવારે ગાંધીનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન પાનોલી ખાતે પહોંચ્યા હતા ત્યાંથી પરત ફરી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, ત્યાંથી સીધા કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા જ્યાં અધિકારીઓ સાથે ચર્ચા કરી માહિતી મેળવી હતી. આ બનાવ પ્રશ્ને વડાપ્રધાનના કાર્યાલય તરફથી મોતને ભેટનારને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
લોહી નિંગળતી હાલતમાં પોલીસકર્મીઓએ લાશને ટેમ્પોમાં ભરી
નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટાભાગના મૃતકોની ડેડબોડી કચડાઇ ગઇ હતી. એકસાથે ૧૨ લોકોનાં મોત થતાં ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નિંગળતી હાલતમાં ૧૨ ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.
રોજ કેબિનમાં સૂતો રાકેશ આજે ફૂટપાથ પર સૂતો અને મોત મળ્યું
જ્યાં ઘટના બની તેનાથી થોડે દૂર આવેલી દુકાનમાં કામ કરતો રાકેશ રૂપચંદ કાતિલ ઠંડી હોવાથી દરરોજ દુકાન પાસેની કેબિનમાં સૂતો હતો. જો કે સોમવારે થોડી ગરમી લાગતા કેબિનમાં સૂવાને બદલે અન્ય શ્રમિકો સાથે ફૂટપાથ પર સૂતો હતો. ત્યારે તેને આ કાળમુખા ડમ્પરે નાંખ્યો હતો.
મૃત્યુ પામેલા કમભાગીઓ રાકેશ રૂપચંદ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, રજીલા મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, મનિષા, ચંપા બાલુ, બે વર્ષની છોકરી તથા ઍક વર્ષનો છોકરો.
Recent Comments