સાસણ ગીરની મુલાકાતે આવેલા બોલિવુડ અભિનેતાએ કીર્તિમંદિરની મુલાકાત લીધી

અમદાવાદ, તા.૨૯
બોલિવુડના પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિરખાન સહપરિવાર સાસણ ગીરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે પોરબંદરના કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી. આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત આવ્યો અને કીર્તિમંદિરને જોવાનો મોકો ગુમાવવા માંગતો ન હતો. કીર્તિમંદિરમાં ગાંધીબાપુની સ્મૃતિ નિહાળી મારી સફરને યાદગાર બનાવી છે.
વિગતવાર વાત કરીએ તો બોલિવુડ અભિનેતા આમિરખાન તેમની એનીવર્સરી ઉજવવા તાજેતરમાં સાસણ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અભિનેતાએ સહપરિવાર સાથે પોરબંદરનાં કિર્તીમંદિરની ખાસ મુલાકાત લીધી હતી. જેમાં ૩૦ મિનિટ સુધી કિર્તિમંદિરે રોકાણ કર્યું હતુ. કીર્તિમંદિરે મહાત્મા ગાંધીના દર્શન કરી કિર્તીમંદિરનું પૂરૂ નિરીક્ષણ કર્યું હતું. આમિરખાન, તેની પત્ની સહિતનો પરિવાર તથા ૫૦થી વધુ લોકોનો કાફલો પણ તેમની સાથે રહ્યો હતો.
કીર્તિમંદિરનાં દર્શને આવેલા બોલિવુડ સ્ટાર આમિરખાને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતુ કે અહી આવીને ખૂબ મજા આવી છે. સાસણ સુધી આવ્યો હોવાથી અહી કિર્તીમંદિરનાં દર્શન કરવાનો મોકો હું કઈ રીતે જવા દઉ ? મેં કીર્તિ મંદિરે ગાંધીબાપુની સ્મૃતિ નિહાળી મારી સફર યાદગાર બનાવી છે. હું અહીં જોવા માંગતો હતો કે બાપુ કેવી રીતે રહેતા, અહીં શું કરતા તે બધુ નિહાળી ગદગદિત થયો છું. ગાંધીબાપુની સ્મૃતિ નિહાળતી વેળાએ હું તે સમયમાં ખોવાઈ ગયો હતો. અહીં તંત્ર પણ ગાંધીજીની તમામ સ્મૃતિઓની ખૂબ સરસ રીતે જાળવણી કરી રહ્યું છે. આ યાદગાર મુલાકાત બદલ આમિરખાને સૌનો આભાર માન્યો હતો.