કોલકાતા, તા.ર૭
સૌરવ ગાંગુલી અને પૂર્વ કોચ ગ્રેગ ચેપલ વચ્ચે થયેલા વિવાદને ભલે એક દાયકાથી વધારે સમય થયો હોય પણ પૂર્વ ભારતીય કપ્તાન માટે આને ભૂલવું શક્ય નથી. ગ્રેગ ચેપલ યુગમાં પસંદગી વિવાદ વિશે ગાંગુલીએ ક્રિકેટ ઈતિહાસકાર બોરિયા મઝમુદાર દ્વારા લખાયેલ પુસ્તક ‘ઈલેવન ગોડ્‌સ એન્ડ અ બિલિયન ઈન્ડિયન્સ’માં તેમણે આ વિશે ખુલીને વાત કરી છે. આ પુસ્તકમાં ભારત અને વિદેશમાં ક્રિકેટ વિશે લખાયેલ છે. પ૦૦ પેજના આ પુસ્તકનું વિમોચન આઈપીએલ દરમિયાન કરવામાં આવ્યું. ગાંગુલીએ સપ્ટેમ્બર ર૦૦પમાં બુલાવાયોમાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ પહેલા થયેલી ઘટનાઓને યાદ કરતા કહ્યું કે એક દિવસ સાંજે ગ્રેગ ચેપલ મારી પાસે આવ્યા અને મને એક ટીમ બતાવી જેને તેમણે ટેસ્ટ મેચ માટે પસંદગી કરી હતી.
તેમની અંતિમ ઈલેવનમાં અમુક મહત્ત્વના ખેલાડી ન હતા અને હું થોડો હેરાન થઈ ગયો કે તેઓ શું કરવા માંગે છે.
ચેપલે જુલાઈ ર૦૦પમાં મુખ્ય મેચ તરીકે પદભાર સંભાળી લીધો હતો. ગાંગુલી પર સ્લો ઓવર રેટ માટે માર્ચ ર૦૦પમાં ૬ મેચનો પ્રતિબંધ લાગ્યો હતો અને રાહુલ દ્રવિડ અંતરિમ કપ્તાન હતો. ત્યારબાદ સપ્ટેમ્બર ર૦૦પમાં ઝિમ્બાબ્વે પ્રવાસમાં ગાંગુલીને ફરીથી ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. ગાંગુલીએ કહ્યું કે પ્રવાસની શરૂઆતથી બધુ બરાબર ન હતું પણ ચોક્કસ રીતે કોઈ વસ્તુની કમી હતી.
તેમણે કહ્યું મને લાગે છે કે અમુક લોકો ગ્રેગ ચેપલના ખાસ બની ગયા હતા. તેમણે તેમને કહ્યું કે જો હું સાથે રહીશ તો તે ભારતીય ક્રિકેટમાં ક્યારેય પોતાની જગ્યા બનાવી નહીં શકે અને આનાથી જ બધી પ્રતિક્રિયાઓ શરૂ થશે. ગાંગુલીએ આ ખરાબ સંબંધ વિશે કહ્યું કે પણ જે કંઈ પણ હોય ઝિમ્બાબ્વેમાં તે ચેપલ ન હતા. જેમણે ડિસેમ્બર ર૦૦૩માં ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં મને તૈયાર કરવામાં મદદ કરી હતી.
ગાંગુલીએ સ્વીકાર કર્યો કે તેમણે ચેપલના સૂચનને ફગાવી દીધા અને સ્પષ્ટ રીતે કહી દીધું કે જે લોકોને કાઢવા માગે છે તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું સારૂં પ્રદર્શન કર્યું છે. જ્યારે કે તેમને આવવાને ફક્ત ત્રણ મહિના થયા હતા. તેમણે પરિસ્થિતિને પૂરી રીતે સમજવા માટે થોડા સમય વિતાવવાની જરૂર છે. ત્યારબાદ તે કડક નિર્ણય લે પણ ગ્રેગ ચેપલ ટીમ બનાવવા ઘણા આતુર હતા.