(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
કુતુબ મિનાર નજીક મોટા પ્રમાણમાં બંધાયેલા ગેરકાયદેસર અને બિનસત્તાવાર બાંધકામની દિલ્હી હાઈકોર્ટે નોંધ લીધી હતી. મેહરૂલી નજીક આ ક્ષેત્ર હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં દબાણ કરવામાં આવ્યું છે. દિલ્હી વડી અદાલતે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનલ ડેપ્યૂટી કમિશ્નરને આ અંગેની જવાબદારી નક્કી કરવા જણાવાયું છે. જસ્ટિશ નાજમી વઝિરિની સીંગલ જજની ખંડપીઠે જણાવ્યું હતું કે, મોટા ક્ષેત્રમાં ગેરકાયદેસર બાંધકામ ઊભુ કરી દેવામાં આવ્યું છે છતાં તેની પર પોલીસ, પુરાતત્વ વિભાગ અને કોર્પોરેશનની નજર ન ગઈ. આ બાંધકામ સામે અરજી કરતાંએ ગેરકાયદેસર નિર્માણની સેટેલાઈટ તસવીરો પણ અરજી સાથે બિડાણ કરી હતી. જેના આધારે ક્ષેત્રમાં થયેલા ગેરકાયદેસર બાંધકામનો ખ્યાલ આવ્યો હતો. સુનાવણી દરમ્યાન એસડીએમસીના વકીલે જણાવ્યું હતું કે, હકીકતો અંગે ખોટી રજૂઆત, દસ્તાવેજો સાથે ચેડાં કરી એએસઆઈ અને કોર્પોરેશન પાસે બાંધકામની મંજૂરી મેળવી લેવામાં આવી હતી. જસ્ટિશ નાજમી વઝીરીએ જણાવ્યું હતું કે, બચાવ પક્ષના વકીલની દલીલો ગળે ઉતરે તેવી નથી કેમ કે, હેરિટેજ ક્ષેેત્રના ૧૦૦ મીટરના દાયરમાં નિર્માણ માટેની મંજૂરી અપાતી નથી. અદાલતે ઝોનના ડેપ્યૂટી કમિશ્નરને નિર્દેશ કર્યો હતો કે, તેઓ આ મામલે જાત તપાસ કરી આ અંગે જે જવાબદાર અધિકારીઓ છે, તેમને શોધી કાઢે. તેમજ આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જવાબદારી નક્કી કરે. જે અધિકારીઓએ ફરજમાં બેદરકારી દાખવી છે તેમના નામ સામે આવવા જોઈએ. કોર્ટે દિલ્હી પોલીસ અને જીએનસીટીડીના ટ્રી અધિકારીને પણ આ અંગે પક્ષકાર બનાવ્યા હતા. તેમજ તેમને નોટિસ પાઠવી હતી. એસડીએમસીના વકીલે જણાવ્યું હતું કે, ક્ષેત્રમાં માત્ર એક જ વૃક્ષ કાપવામાં આવ્યું છે પણ અદાલતે આ દલીલ ફગાવતાં જણાવ્યું હતું કે, તસવીરો જોતા લાગે છે કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યા છે.