(એજન્સી) બગદાદ, તા.૯
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરૂસલેમ અલ-કુદ્દસને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાની ઘોષણા કરવામાં આવી હતી. તેમની આ ઘોષણાની નિંદા કરતો એક ઠરાવ ઈરાકની સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. રવિવારે રાષ્ટ્રીય ઈરાકી ગઠબંધનના અલી એસ-સફીએ જણાવ્યું કે, સાંસદોએ અમેરિકી રાષ્ટ્રપતિના આ પગલાંને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. અમેરિકી પ્રમુખ દ્વારા લેવાયેલું આ પગલું ધર્મોની વિરૂદ્ધમાં છે અને આંતરરાષ્ટ્રીય જોખમ ઊભું કરનારું છે. સંસદ સભ્યએ ઉમેર્યું કે, ઈરાકી ધારાસભ્યોએ ભારપૂર્વક જણાવ્યું કે, જેરૂસલેમ અલ-કુદ્દસ એ પેલેસ્ટીન રાજ્યની રાજધાની છે. ટ્રમ્પે આ ઘોષણા ૬ ડિસેમ્બર, ર૦૧૭ના રોજ કરી હતી અને તેમણે રાજ્યના વિભાગને વોશિંગ્ટનનું દૂતાવાસ તેલ-અવીવમાંથી ઈઝરાયેલી કબજા હેઠળના શહેરમાં ખસેડવાનું પણ કહ્યું હતું. ટ્રમ્પે કરેલી આ ઘોષણા બાદ નાટ્યાત્મક ફેરફાર કરવાના તેમના આ પગલાંની ઈરાક સહિત કબજે કરાયેલ પેલેસ્ટીન પ્રદેશ અને મુસ્લિમ દેશોમાં તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈરાકના મુખ્ય શિયા મૌલવી ગ્રાન્ડ આયાતુલ્લા અલી અલ-સિસ્તાનીએ વિવાદાસ્પદ અમેરિકી પગલાંની નિંદા કરતાં કહ્યું હતું કે, કબજે કરાયેલ જેરૂસલેમ અલ-કુદ્દસને પેલેસ્ટીન માલિકોને પરત આપવું જ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પગલાંની વિરૂદ્ધના ઠરાવને પસાર થતો રોકવા માટે યુએસે વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આ જ પ્રકારના ઠરાવને વિશ્વ સંગઠનની સામાન્ય વિધાનસભામાં થોડા દિવસો બાદ તેને અપનાવવો પડ્યો હતો. હાલ તો જેરૂસલેમ એ ઈઝરાયેલ અને પેલેસ્ટીનના સંઘર્ષનું કેન્દ્ર બન્યું છે અને પેલેસ્ટીનીઓ દ્વારા એવી આશા રાખવામાં આવી રહી છે કે, ભવિષ્યમાં શહેરના પૂર્વીય ભાગને સ્વતંત્ર પેલેસ્ટીન રાજ્યની રાજધાની તરીકે માન્યતા મળશે.