(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ચૂંટણી આયોગથી સંપત્તિની વિગતો છુપાવવા અંગે આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ સહિત આઠ નેતાઓ વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર વિશ્વાસ અને અન્ય ૭ ધારાસભ્યોએ ચૂંટણી આયોગથી પોતાની સંપત્તિની વિગતો છુપાવી છે. તપાસમાં સામે આવ્યું કે, આ નેતાઓની ખાનગી કંપનીઓમાં પણ સંડોવણી રહી છે, જેની કિંમત લાખોમાં છે. આ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટના અનુચ્છેદ ૧રપ (અ)નું ઉલ્લંઘન છે અને આ માટે ૬ મહિનાની કેદ, દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે. જે નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમાં અસીમ અહેમદખાન, આદર્શ શાસ્ત્રી, કૈલાશ ગેહલોત, મોહમ્મદ યુનુસ, પ્રમિલા ટોક્સ, રાજેશ ઋષિ અને કુમાર વિશ્વાસનો સમાવેશ થાય છે. આપ નેતા આદર્શ શાસ્ત્રી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર છે. તેઓ બ્રિટનની એક કંપનીના ડાયરેક્ટર છે. જેની વિગતો તેમણે ર૦૧પની ચૂંટણીના સોગંદનામામાં આપી ન હતી. જ્યારે આ અંગે જવાબ માંગવામાં આવ્યો તો શાસ્ત્રીએ કહ્યું કે, તે ફક્ત ‘માનદ ડાયરેક્ટર’ છે. તેથી તેમને તેની વિગતો આપવી જરૂરી ન લાગી. પરંતુ એક અહેવાલ અનુસાર કંપનીના દસ્તાવેજોમાં ક્યાંય પણ માનદ ડાયરેક્ટર હોવાનો ઉલ્લેખ નથી. તેવામાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા હજ ઉમરાહ ટૂર ઓર્ગેનાઈઝર્સ નામની કંપનીમાં મોહમ્મદ યુનુસના શેર છે, જેનો ઉલ્લેખ તેમણે સોગંદનામામાં કર્યો નથી. રોઝી બિલ્ડર્સ પ્રાઈવેટ લિમિટેડ અને સુપરસ્ટાર્સ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડમાં કૈલાશ ગેહલોત શેર ધરાવે છે તેમણે પણ તમામ સવાલોને ટાળતા કહ્યું કે, તેમણે દસ્તાવેજોની તપાસ કરવી પડશે. તેવામાં આપના ધારાસભ્ય રાજેશ ઋષિની પત્ની વિનર ઈલેક્ટ્રોટેક પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે. આ વાતનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો નથી. તેમણે દાવો કર્યો કે તેમની પત્ની સોગંદનામું ફાઈલ કરાવ્યા બાદ ડાયરેક્ટર બની હતી. આમ આદમી પાર્ટીની નેતા પ્રમિલા ટોક્સના સોગંદનામામાં તેમની પત્નીની કંપનીમાં તેમના શેર હોવાનો ઉલ્લેખ નથી. આ અંગે તેમણે જણાવ્યું કે, કંપની પતિની છે તેથી તેની વિગતો સોગંદનામામાં આપવી જરૂરી નથી.